વિમાની સેવાઓની વાસ્તવિકતા અને સરકારી દાવાઓમાં આસમાન-જમીનનું અંતર રહેલું છે...!!
જામનગર મોર્નિંગ - જામનગર. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઉડાન-૩ ની જાહેરાત કરી છે, અને તેમાં જામનગરથી કેટલીક ફ્લાઈટો શરૃ થવાની વાત છે, ત્યારે જામનગરથી અમદાવાદ અને મુંબઈની સેવાઓના ઠેકાણા નથી, તે નિયમિત કરવા અને જામનગર-મુંબઈને વધુ ફ્લાઈટ આપવાની માંગ ઉઠી રહી છે.
"ઉડે દેશકા આમ નાગરિક" નું શોર્ટફોર્મ "ઉડાન" છે. આ યોજના કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અમલમાં મૂકી છે. સરકારનો દાવો એવો છે કે હવાઈ ચપ્પલ પહેરનારાને પણ સસ્તા ભાડામાં હવાઈયાત્રાની તક મળે. આ યોજના હેઠળ મળેલી સિદ્ધિઓના ગુણગાન ગવાઈ રહ્યાં છે, જે હવા-હવાઈ વાતો જેવા જણાય છે. હવે મોદી સરકાર ઉડાન-૩ ના પ્રારંભની તૈયારી કરી રહી છે, અને તેનો મોટા પાયે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
સરકારનો દાવો એવો છે કે, આ સેવાઓ દેશના પર્યટન સ્થળોને સાંકળી લેશે. ઉડાન-૧ અને ઉડાન-ર હેઠળ ૩૧-એરપોર્ટ પરથી સેવાનો શરૃ કરી દેવામાં આવી છે, અને ત્રણ દિવસ પહેલાં ત્રીજા તબક્કામાં ઉડાન-૩ નો પ્રારંભ કરવાની ઘોષણા કરવામાં આવી છે. કેટલાક રાજ્યોમાંથી આંતરરાષ્ટ્રીય સેવાઓ પણ શરૃ કરવાનું આયોજન કરાયું છે, જેમાં આસિયાન અને સાર્ક સંગઠનના દેશોને અગ્રતાક્રમે હવાઈ સેવાઓથી જોડવાનો દાવો કરાયો છે. હવે ત્રીજા તબક્કામાં દેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળોને કેન્દ્રમાં રાખીને આ યોજના અને બુધ્ધા સરકીટનું સંકલન કરવામાં આવી રહ્યું છે.
ઉડાન સ્કીમ હેઠળ જે ૩૧ એરપોર્ટ શરૃ કરાયા, તેમાં ૧૮ બંધ પડેલા એરપોર્ટને ફરી શરૃ કરાયા છે, જ્યારે જામનગર સહિત ૧૩ એરપોર્ટ એવા છે, જે ચાલુ હોવા છતાં તેનો પૂરો ઉપયોગ થતો નથી. આ એરપોર્ટ પરથી દેશના અન્ય સ્થળોને જોડતી વધુ વિમાની સેવાઓ શરૃ કરવામાં આવશે, અને તેને ઉડાન-૩ હેઠળ આવરી લેવાશે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં થયેલી ઘોષણા મુજબ ઉડાન-૩ હેઠળ દેશના ર૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પરસ્પર ર૩પ વિમાની સેવાઓથી જોડવામાં આવશે. આ માટે એરપોર્ટના આધુનિકરણ માટે રૃા. ૪પ૦૦ કરોડ મંજૂર કરાયા છે. ઉડાન-૩ માં જામનગરથી પણ દેશના કેટલાક સ્થળોને જોડતી વિમાની સેવાઓ શરૃ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, અને દિલ્હી, બેંગ્લુર, ગોવા, હિંડોન, હૈદ્રાબાદ સાથે કનેક્ટિવીટી વધારવાનું આયોજન સૂચવાયું હોવાનું કહેવાય છે.
જામનગરથી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાના ઠેકાણા નથી અને મુંબઈ માટે બીજી ફલાઈટ પણ શરૃ થઈ નથી, ત્યારે આ પ્રકારની હવા-હવાઈ વાતો પર લોકોને સરળતાથી વિશ્વાસ બેસે તેમ જણાતું નથી. કારણ કે, જામનગરથી અમદાવાદ, મુંબઈ વચ્ચે વિમાની સેવાઓની ઉણપની કાયમ ફરિયાદ રહી છે. પ્રાથમિક ધોરણે મુંબઈ માટે વધુ ફલાઈટ શરૃ કરવી જરૃરી છે.
સરકારી ઘોષણા મુજબ જામનગરને ઉડાન-૩ હેઠળ જેટ એરવેઝ અને ઘોદવાત, જેવી એરલાઈન્સ અન્ય શહેરો સાથે એર સેવાઓ શરૃ કરશે, તેવું સમજાય છે. હજુ આ હવા-હવાઈ વાતો છે, અને ઉડાન-૩ ની ઘોષણા સાથે ૬ મહિનાનો સમય પૂર્વ તૈયારી માટે અપાયો હોવાનું પણ કહેવાય છે, આ ચાલાકી ભરી જાહેરાતો કરીને લોકસભાની ચૂંટણીમાં લાભ લેવાનો કારસો ઘડાયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.