જામજોધપુરના ગોપ ગામના આધેડની જુનું મનદુઃખ રાખી હત્યા નિપજાવતા શખ્સો 
બે વર્ષ પૂર્વે ગામના જ એક વ્યક્તિની મરણ જનારએ હત્યા નિપજાવ્યાનો ખાર રાખી સામા પક્ષના શખ્સો હથિયાર સાથે તુટી પડ્યા : અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા : પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગઈ : નાસી છુટેલા આરોપીઓને ઝડપી દોડધામ : જેલમાંથી પેરોલ પર છુટી વતન આવતા બનાવ બન્યો 
જામનગર મોર્નિંગ - જામનગર. જામજોધપુરના ગોપ ગામે આજે સવારના જૂની અદાવતના કારણે ડખો સર્જાયો હતો જેમાં હત્યાના ગુન્હામાં પેરોલ પર છુટી આવેલા શખ્સની હત્યા નિપજાવાતા સનસનાટી ફેલાઈ જવા પામી છે. ઉપરાંત આ ડખ્ખામાં બે વ્યક્તિને ગંભીર પ્રકારની ઇજા પહોંચતા સારવાર અર્થે જામનગર રીફર કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા ગ્રામ્ય ડીવાયએસપી જામજોધપુર પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ આરંભી છે. બે વર્ષ પહેલ સામા પક્ષના એક વ્યક્તિની હત્યાના ગુન્હામાં આ શખ્સની હત્યા નિપજાવવાનું જાહેર થયું છે અને આરોપીઓ નાસી છુટતા પોલીસે ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામજોધપુરના ગોપ ગામે રહેતા સામતભાઈ જેઠાભાઇ નંદાણીયા (ઉ.વ.45) નામનો શખ્સ આજરોજ પોતાના ગામ લગ્ન પ્રસંગે ગયેલ હોય ત્યાં ડખ્ખો થતા જુનું મનદુઃખ રાખી ચારથી વધુ વ્યક્તિઓ તેના પર સશસ્ત્ર તુટી પડ્યા હતા અને ગંભીર ઇજા થવાથી સામતભાઇ નંદાણીયાનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા ગ્રામ્ય ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યા નિપજાવી નાસી છુટેલા શખ્સોની સામે હત્યા સબબ ગુન્હો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. ઉપરાંત આ ડખ્ખામાં રાકેશ નાથાભાઈ જોષી અને વીરાભાઇ નારણભાઇ નંદાણિયા નામના બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ડખ્ખો થતા ગોપ ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરતા આજથી બે વર્ષ પહેલા મેરામણભાઇ નામના વ્યક્તિના બાપુજીનું સામત નંદાણીયા વિગેરેએ ખુન કરેલ હોય અને આરોપીની ધરપકડ બાદ સામત નંદાણીયા જેલ હવાલે હોય આજરોજ પેરોલ પર છુટી લગ્નપ્રસંગે ગોપ ગામે હાજરી આપવા જતી વેળાએ આ ડખ્ખો થયાનું સુત્રોમાંથી જાણવા મળે છે. જુની અદાવતના કારણે સામા પક્ષના શખ્સોએ તેનું ઢીમ ઢાળી દીધાનું ખુલવા પામ્યું છે ત્યારે પોલીસે આ બનાવ અંગે જુદી-જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, હાલારમાં ચાલુ અઠવાડીયા દરમિયાન બે વ્યક્તિની હત્યાના બનાવ બનવા પામ્યા છે. થોડા દિવસ પૂર્વે ઘુમલી આશાપુરા માતાજીના મંદિરના પુજારીની કોઈ શખ્સોએ હત્યા નિપજાવી નાસી જતા આરોપીઓ હજુ પણ પોલીસના હાથથી દુર છે ત્યારે આ બીજો બનાવ બનતા પોલીસ ધંધે લાગી ગઈ છે. ગોપ ગામના આ બનાવમાં હાલ તો હત્યારોઓ સામે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.