મકાન માલીક પરિવાર સાથે લગ્ન પ્રસંગે બહાર ગયા હોય પાછળથી તસ્કરો કરામત કરી ગયા 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં સુંદરમ કોલોનીમાં આવેલ એક રહેણાંક મકાનમાં ગત તા. 4 ની રાત્રીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી મકાનમાંથી રોકડ તથા સોનાના ઘરેણાં સહિતની ચોરી ગયાની ફરીયાદ પોલીસ દફ્તરે નોંધાવવામાં આવી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં સુંદરમ કોલોની, નેશનલ કોલેજની બાજુમાં આવેલા ગોવર્ધન એપાર્ટમેન્ટ નં. 201માં રહેતા મેહુલભાઈ રમેશચંદ્ર મહાજન પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગે બહાર ગામ ગયા હોય દરમિયાન બંધ રહેલ મકાનમાં મંગળવારે કોઈ તસ્કરો ત્રાટક્યા હતા અને દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ્યા હતા દરમિયાન મકાનમાં રાખેલ રોકડા રૂપિયા તથા જૂની સોનાની ચાર બંગળી કિંમત રૂ. 60 હજાર તથા સોનાનું મંગળસુત્ર, સોનાની માળા તથા સોનાની બુટી કિંમત રૂ. 25 હજાર, તથા જુની સોનાની બે નંગ ગીની કિંમત રૂ. 25 હજાર તેમજ ચાર નંગ સોનાની વીટી, બે નંગ કાનની બુટી કિંમત રૂ. 16 હજાર સહિત કુલ મળી રૂ. 1.26 લાખની  માલમતાની ચોરી કરી તસ્કરો ગાયબ થઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચોરીના આ બનાવ અંગે મકાનમાલીક મેહુલભાઈ મહાજન દ્વારા સીટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પી એસ આઈ પી.વી. રાણા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને એફ એસ એલ તથા ડોગ સ્કવોર્ડની મદદથી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા જુદી-જુદી દિશામાં તપાસ આરંભી તસ્કરોને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.