આરોગ્ય તંત્ર ઉંધે માથે : 10 પોજીટીવ અને શંકાસ્પદ સ્વાઈનફ્લુના લક્ષણ ધરાવતા દર્દીઓ સારવાર હેઠળ 
જામનગર મોર્નિંગ - જામનગર 
છેલ્લા એકાદ માસથી જામનગર શહેર જિલ્લામાં સ્વાઈનફલુના રોગએ અજગર ભરડો લીધો છે. અત્યાર સુધીમાં જામનગર શહેર જિલ્લા ઉપરાંત અન્ય વિસ્તારના ચાર થી વધુ વ્યક્તિના સ્વાઇનફલુના કારણે મોત નિપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. છતાં દિવસે ને દિવસે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્વાઈનફ્લુના દર્દીઓનો વધારો થઇ રહ્યો છે. જે ચિંતાનો વિષય બની ગયો છે. છતાં તકેદારીના જરૂરી પગલાં લેવામાં આવતા ન હોવાનું જણાવી તંત્ર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ત્યારે વધુ એક દર્દીનું સ્વાઈનફ્લુથી મોત થયાનું સામે આવ્યું છે. 
હાલની ઋતુએ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત જામનગર જિલ્લામાં પણ રોગચાળો ફેલાવ્યો છે. વધુ પડતી ઠંડીના કારણે સ્વાઇનફલુનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે અને લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે, ત્યારે જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વૃધ્ધનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સ્વાઇનફલુના કારણે મોત નિપજતા આરોગ્ય તંત્ર દોડાદોડી કરી રહ્યું છે. હાલ જી.જી. હોસ્પિટલમાં 10 દર્દીઓને સ્વાઇનફલુનો પોજીટીવ રિપોર્ટ હોય સારવાર હેઠળ છે. તેમજ અન્ય પાંચ શંકાસ્પદ સ્વાઈનફ્લુના દર્દીઓ જી.જી. હોસ્પિટલ ખાતે નિષ્ણાંત તબીબોની સારવાર લઇ રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્રએ જામનગર જિલ્લાના લોકોને સ્વાઇફ્લુથી બચવા અને તકેદારી રાખવા અખબારના માધ્યમથી પણ અપીલ કરવામાં આવી છે.