માણેકપરના વૃધ્ધાનું અકસ્માતે દાઝી જતાં મોતઃ જામનગરના વૃધ્ધનું હ્યદય રોગના હુમલાથી મોત
જામનગર શહેર-જિલ્લામાં આત્મહત્યા-અપમૃત્યુના ત્રણ બનાવ પોલીસ દફતરે નોંધાયા છે, તેમાં વાવડી ગામે પરિણીતાએ અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી લેતાં અને માણેકપરના વૃધ્ધાનું અકસ્માતે દાઝી જવાથી તેમજ જામનગરના વૃદ્ધનું હ્યદય રોગના હુમલાથી મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું હતું.
મળતી વિગત મુજબ જોડીયા તાલુકાના વાવડી ગામે રહેતા મધુબેન રામાભાઇ બાલાસરા નામની મહિલાએ પોતાના ઘરે રહેણાંક મકાનમાં કોઇ અગમ્ય કારણસર શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં તેઓનું જામનગરની જી.જી. હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું, આ બનાવ અંગે જોડીયા પોલીસમાં મૃતકના પતિ રામાભાઇ બાલાસરાએ જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે ધ્રોલ તાલુકાના માણેકપર ગામે રહેતા ઉઝાબેન ધનજીભાઇ છાપરીયા (ઉ.વ. 70) નામની વૃદ્ધા પોતાના ઘરે ચુલા પર ચા બનાવતા હોય આ વેળાએ અકસ્માતે દાઝી જતાં તેઓનું જામનગરની જી.જી. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું, આ બનાવ અંગે ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તેમજ જામનગરના ખોડીયાર કોલોની, આશાપુરા સોસાયટી, વાછરાડાડાના મંદિર પાસે રહેતા હેમતસિંહ ઘેલુભા સોઢા (ઉ.વ. 82) નામના વૃધ્ધને હ્યદય રોગનો હુમલો આવતાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું, આ બનાવ અંગે સીટી સી ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.