જામનગર મોર્નિંગ - દ્વારકા 
અન્ય ત્રણને સારવારમાં ખસેડાયાઃ અંગત અદાવત કારણભૂતઃ હુમલાખોરો સામે હત્યાનો ગુન્હો દાખલઃ તમામની ધરપકડ
દ્વારકાના મીઠાપુરમાં અંગત અદાવતના કારણે બઘડાટી બોલતાં તલવારનો ઘા ઝીંકી યુવાનની હત્યા નિપજાવાતા સનસનાટી મચી જવા પામી છે, ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે, આ બનાવની જાણ થતાં મીઠાપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હુમલાખોર આરોપીઓની ધરપકડ કરી હત્યા હેઠળ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

મળતી વિગત મુજબ મીઠાપુરમાં આવેલ એમએચવાઇ ગેટ સામે ચા પીવા માટે ચાર યુવાનો કેબીને ગયા હોય ત્યારે અંગત અદાવતનો ખાર રાખી હાથમાં તલવાર, લાકડી સહિતના હથિયારો અને પથ્થરો વડે હુમલો કરતાં આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રાજેશભા બાબાભા સુમણીયા નામના યુવાનનું મોત નિપજ્યું હતું, જ્યારે ગગાભા નઘુભા, સુરેન્દ્ર લુણાભા અને ભરત પોલા સુમણીયા નામના ત્રણ યુવાનોને ગંભીર રીતે ઇજા પહોંચતા બે યુવાનોને જામનગર અને એક યુવાનને મીઠાપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ બનાવને લઇને પોલીસ દોડી ગઇ હતી. ઘટનાસ્થળે દોડી જઇ અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી તમામની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, રાજેશભાના માથા પર ચાની રકાબી મારી હતી. બાદમાં હોસ્પિટલમાં ટાંકા લેવડાવી ઘરે જતા હતા ત્યારે આરંભડા હોસ્પિટલ પાસે તલવાર, લાકડી અને પથ્થરથી હુમલો કરતા રાજેશભાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને અન્ય ત્રણ યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા.