ફરાર થઇ ગયેલા પરીક્ષા કેન્દ્રના સંચાલકે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરની સત્યસાંઈ હાઈસ્કૂલમાં લેવાયેલી ટાટની પરીક્ષા પહેલા પ્રશ્નપત્રના પેપર બોક્ષનું સીલ તોડી નાખવા અંગેના ચકચારી પ્રકરણમાં પરીક્ષા કેન્દ્રના સંચાલક સત્યસાંઈ સ્કૂલના આચાર્ય સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. અને તેઓ પોબારા ભણી ગયા છે અને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે દરમ્યાન શિક્ષણ વિભાગની તપાસમાં પરીક્ષા કેન્દ્રના સંચાલકના પત્નિ તેમજ તેના ભાણેજે પણ ટાટની પરીક્ષા આપી હતી જેથી તે બંને માટે આ પ્રશ્ન પત્રોનું બોક્ષનું સીલ તોડવામાં આવ્યું હતું કે કેમ તે તમામ દિશાઓમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. 
જામનગરમાં ગઈ તા.૨૭ જાન્યુઆરીના દિને 'ટાટ'ની પરીક્ષા લેવામાં આવી હતી જેના એક કેન્દ્ર સત્યસાઈ વિદ્યાલયમાં એક બ્લોકમાં પહોંચાડવામાં આવેલા પરીક્ષા પત્રોનું બોક્સ ખૂલેલું જોવા મળતા તે બ્લોકના પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો જેના પગલે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ તેમજ પોલીસ કાફલો ધસી ગયો હતો. તેઓએ પરીક્ષાર્થીઓને શાંત પાડી મામલો થાળે પાડયા પછી બીજા દિવસે આ કેન્દ્રના સંચાલક-સત્યસાઈ શાળાના પ્રિન્સીપાલ મનિષ બુચ સામે વિધિવત ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી. આ બાબતમાં પોલીસમાં થયેલી ફરિયાદની તપાસ હાથ ધરાતા પ્રિન્સીપાલ મનિષ બુચના પત્ની તથા ભાણેજ પણ ટાટની પરીક્ષા આપી રહ્યા હોવાની વિગતો બહાર આવતા પોલીસે તે દિશામાં તપાસ આગળ ધપાવી હતી જેમાં શિક્ષણ વિભાગે જામનગર શહેરના જુદા જુદા કેન્દ્રોમાં પરીક્ષા આપી રહેલા ઉમેદવારોના નામની ચકાસણી કરવા પરીક્ષાર્થીઓની યાદી મંગાવી હતી. તે દરમ્યાન હાલમાં શાળામાં રજા મૂકી ભૂગર્ભમાં ઉતરી ગયેલા પ્રિન્સીપાલ મનિષ બુચે આગોતરા જામીન મેળવવા માટે અદાલતનો આશરો લીધો છે ત્યારે જ પરીક્ષાર્થીઓની યાદીની ચકાસણી થતા પ્રિન્સીપાલ મનિષ બુચના પત્ની જીજ્ઞાશાબેન અરૃણભાઈ જોષી તેમજ તેમના ભાણેજ કૃણાલ પ્રદીપભાઈ માંકડએ ટાટની પરીક્ષા આપી હોવાનું, પરંતુ જીજ્ઞાશાબેનનો નંબર ગુ.સા. મહેતા કન્યા વિદ્યાલયમાં તેમજ કૃણાલ માંકડનો નંબર પી.વી. મોદી સ્કૂલમાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જ્યારે જીજ્ઞાશાબેનને સોશ્યલ સાયન્સની પરીક્ષા આપવાની હતી તેઓએ આ પરીક્ષા આપી નથી અને કૃણાલની કેટેગરી પરીક્ષા બોર્ડે માગી ન હોય તેઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી છે તેવી વિગતો જાણવા મળી હતી.
ગુરુવારે જામનગરમાં ન્યાયમૂર્તિ રબારીની અદાલતમાં રજૂ થયેલી પ્રિન્સીપાલ મનિષ બુચની આગોતરા જામીન અરજીમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના ભાણેજ કે પત્ની સત્યસાઈ વિદ્યાલયના કેન્દ્રમાં પરીક્ષા ન આપી રહ્યા હોવાનું ઉમેરવામાં આવ્યું છે તે ઉપરાંત આ ફોજદારી કેસની તપાસ કરતા અધિકારીએ રજૂ કરેલા સોગંદનામા સામે પણ અદાલતમાં પ્રશ્નાર્થ ઉઠાવવામાં આવતા તપાસનીશ અધિકારીને આગોતરા જામીન અન્વયે સોગંદનામું રજૂ કરવા સૂચના અપાતા તેઓએ અદાલતમાં સોગંદનામામાં એવી હકીકત જણાવી હતી કે, સ્થળ સંચાલકની જવાબદારી સોંપાઈ ત્યારે તેઓએ પોતાના સગા-સંબંધી આ પરીક્ષામાં બેસવાના છે કે નહીં તેવી વિગત આપવાની હતી તેની તપાસ કરવામાં આવી છે તેની સામે અદાલતમાં તપાસનીશ અમલદારે સોગંદ ઉપર ખોટી હકીકત જાહેર કરી હોય તેઓની સામે આઈપીસી ૧૯૧, ૧૯૩ હેઠળ પરજ્યુરીની ફરિયાદ આરોપી પક્ષ દ્વારા સક્ષમ અમલદાર દ્વારા કરવાની માગણી કરાતા સરકારી વકીલે તપાસનીશને બોલાવી સોગંદનામા પર જાહેર થયેલી હકીકત બાબતે કોઈ મટીરીયલ કબજે કરાયું હોય તો તેને રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ તપાસનીશે આવું કોઈ મટીરીયલ પોતાની પાસે ન હોવાનું અદાલતમાં જાહેર કર્યું છે. આથી આરોપીના વકીલ કંદર્પ ધોળકિયાએ તપાસનીશ અમલદાર સામે સોગંદ પર ખોટી હકીકતો જાહેર કરવા અંગે ફરિયાદ નોંધવાની માગણી કરી છે. અદાલતે તે અરજી અને આગોતરા અરજી અંગેનો હુકમ આગામી ગુરૃવાર પર મુલતવી રાખ્યો છે.