જી.જી. હોસ્પિટલમાં સતત ચોથા દિવસે ચોથું મૃત્યુ દ્વારકાના 70 વર્ષના વૃધ્ધ દર્દીએ જી.જી. હોસ્પિટલના બિછાને દમ તોડ્યો : 12 દર્દીઓ સારવાર હેઠળ : 4 શંકાસ્પદ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેર અને જિલ્લામાં સ્વાઇનફલુનો રોગચાળો દિન-પ્રતિદિન બેકાબુ બનતો જાય છે અને જામનગરી સરકારી જી.જી. હોસ્પિટલમાં સ્વાઇનફલુના દર્દીઓના ટપોટપ મૃત્યુ થયા છે. છેલ્લા ચાર દિવસ દરમ્યાન ચાર દર્દીઓએ જી.જી. હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો છે. દ્વારકાના 70 વર્ષના બુઝુર્ગ દર્દીનું આજે વહેલી સવારે મૃત્યુ નિપજ્યુ છે. જી.જી. હોસ્પિટલમાં સ્વાઇનફલુના પોઝેટીવ 12 દર્દીઓ અને શંકાસ્પદ ચાર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ચાલુ સીઝનમાં મૃત્યુ આંક 14નો થયો છે. 
જામનગર શહેર અને જિલ્લામાં તેમજ આસપાસના જિલ્લાઓમાં સ્વાઈનફ્લુના રોગચાળાએ અજગરરૂપી ભરડો લીધો છે અને છેલ્લા ચાર દિવસથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક પછી એક ચાર દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. પોરબંદરના ત્રણ દર્દીઓના ત્રણ દિવસ દરમ્યાન સ્વાઇનફલુની બીમારીના કારણે મૃત્યુ નિપજ્યા પછી આજે દ્વારકાના એક દર્દીનું સ્વાઇનફલુના અજગર રૂપી ભરડામાં સપડાયાં પછી મૃત્યુ નીપજ્યું છે. 

દ્વારકાના વતની વીરાભાઇ નામના 70 વર્ષના બુઝુર્ગને સ્વાઈનફ્લુની બીમારીના કારણે સારવાર માટે જામનગરી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી આજે સવારે સારવાર દરમ્યાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે જેના મૃતદેહની બારોબાર અંતિમવિધિ કરવામાં આવી હતી. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કુલ મૃત્યુનો આંક 14નો થયો છે. જયારે હજુ 12 દર્દીઓ સ્વાઈનફ્લુની બીમારીની સારવાર લઇ રહ્યા છે ઉપરાંત અન્ય ચાર શંકાસ્પદ દર્દીઓને પણ જી.જી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.