જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર-ખંભાળિયા હાઇવે પર આવેલ એક્સપ્રેસ હોટલ પાસે બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત નિપજતા આ બનાવ અંગે મૃતકના પિતા દ્વારા મેઘપર પોલીસમાં ફરિયાદ નોધાવાતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગરમાં નવાનાગના ખાતે હનુમાન મંદિરવાળી શેરીમાં રહેતો વિમલ મનસુખભાઇ નકુમ નામનો 21 વર્ષનો યુવાન મોટરસાઇકલ ચલાવી ખંભાળીયા હાઇવે રોડ પરથી પસાર થતો હોય દરમ્યાન સામેથી આવતા જીજે 10 સીકે 2384 નંબરના અન્ય મોટરસાઇકલના ચાલકે તેને હડફેટે લેતા આ યુવાન મોટરસાઇકલ પરથી નીચે પટકાતા તેનું માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવથી મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ મોટરસાઇકલ ચાલક સામે મૃતક યુવાનના પિતા મનસુખભાઇ મોહનભાઇ નકુમ દ્વારા મેઘપર પોલીસે મથકે ફરિયાદ નોધાવાતાં એ એસ આઈ કે કે નારીયાએ આગળની તપાસ હાથ ધરી છે.