પરિવારમાં શોક સાથે ગમગીનીનો માહોલ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં દાંડીયા રાસના કાર્યક્રમમાં ભાણેજના લગ્ન પ્રસંગે આવેલા મામાનું એકાએક હ્યદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું હોવાથી લગ્ન સમારંભમાં સોપો પડી ગયો હતો અને સાદગીથી પ્રસંગ પૂરો કરવામાં આવ્યો છે, આ બનાવથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.મળતી વિગત મુજબ જામનગરમાં લાલવાડી નજીક વર્ધમાનનગરમાં નુરી ચોકડી પાસે રહેતા સુરેશગર ગુલાબગર ગોસ્વામી (ઉ. ૪૫) ગઇરાત્રે લાલવાડી વિસ્તારમાં પોતાના ભાણેજના લગ્ન પ્રસંગે યોજાયેલા દાંડીયા રાસના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા, જ્યાં ચાલુ દાંડીયા રાસના કાર્યક્રમમાં દાંડીયારાસ લેતી વખતે છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને ઉલ્ટીઓ થવા લાગી હતી, અને એકાએક બેશુધ્ધ બની ગયા હતા, જેથી દાંડીયારાસના કાર્યક્રમ દરમ્યાન ગમગીની છવાઇ ગઇ હતી.જેઓને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં લઇ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું, જેથી પરિવારમાં સોપો પડી ગયો હતો, ગઇકાલે લગ્ન પ્રસંગ ભારે સાદગીપૂર્વક પુર્ણ કરી લેવાયો હતો, પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.