પોલીસે ડઝનેક નિવેદનો નોંધ્યા : તમામ આરોપીઓ પોલીસ પકડથી દુર : બંને ઇજાગ્રસ્તોની હાલત સુધારા ઉપર 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના ભીડભંજન મહાદેવના મંદિરની બાજુમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરના દ્વારા હંગામો મચાવી તોડફોડ કરવા ઉપરાંત બે યુવાનો ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં તમામ આરોપીઓ હજુ પોલીસને હાથ લાગ્યા નથી જયારે આ સમગ્ર મામલામાં પૈસાની લેતી-દેતી કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. પોલીસે એકાદ ડઝન વ્યક્તિઓના નિવેદનો નોંધ્યા છે જયારે બંને ઇજાગ્રસ્તોની હાલત સુધારા પર છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં ભીડભંજન મહાદેવના મંદિર પાસે જ આવેલા ગંગેશ્વર મહાદેવના મંદિરની જગ્યામાં ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે ટોળાએ સોડા બાટલીઓના વરસાદ વરસાવી તલવાર-ધોકા વડે તોડફોડ કરી નાખી ભજનીક લાલદાસ તુલસીદાસ દાણીધારીયા અને મુળ ભવનગરના વતની ગંભીરસિંહ નટુભા ગોહિલ (ઉ.વ.37) ઉપર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો જે બનાવ અંગે હત્યા પ્રયાસ અંગે કલમ 307 તેમજ અન્ય જુદી-જુદી કલમો હેઠળ હારૂન આંબલીયા ઉર્ફે અલુ પટેલ અને તેના અન્ય 12 જેટલા સાગરીતો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો જે પ્રકરણના તમામ આરોપીઓ હાલ પોલીસ પકડથી દુર છે અને સીસીટીવી કેમેરાના ફૂટેજના મદદથી આરોપીઓને પકડવા માટે પોલીસ ટીમે દોડાદોડી કરી રહી છે જોકે અલુ પટેલ બનાવ પછી ગામ છોડીને ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળે છે. 
પોલીસે આ સમગ્ર મામલામાં 12 થી વધુ વ્યક્તિના નિવેદનો નોંધ્યા હતા જેમાં પૈસાની લેતી-દેતી કારણભુત હોવાનું માનવામાં આવી રહ્યું છે ધાર્મિક સ્થળની બાજુમાંજ રવિ વ્યાસ નામનો યુવાન રહે છે જેની પાસેથી અલુ પટેલના મિત્રને પૈસા લેવાના બાકી છે જેની ઉઘરાણીના મામલે બબાલ થઇ હતી બનાવની રાત્રીએ સૌપ્રથમ એક ટોળું રવિ વ્યાસને શોધવામાં આવ્યો હતો પરંતુ તેનો પતો સાંપડ્યો ન હતો પરંતુ તે ધાર્મિક સ્થળે આવ્યો હોવાની માહિતી મળતા બીજી વખત ટોળાએ આવી હંગામો મચાવ્યો હતો.
આ સમયે મોવાણા ગામના ભજનિક લાલદાસ મહારાજ પોતાના પુત્રને લઈને ભાગવા જતા તેના ઉપર છરીના 3 ઘા ઝીકી દેવાયા હતા જયારે ટોળું હંગામો મચાવી ધાર્મિક સ્થળ ઉપર સોડા બાટલીના ઘા કરતું હોવાથી પ્રતિકાર કરવાના ભાગરૂપે મુળ ભાવનગરનો અને હાલ જામનગરમાં વુલનમીલ પાસે રહીને મજુરી કામ કરતો ગંભીરસિંહ ગોહિલ કે જે પ્રતિકાર કરવા માટે બહાર આવતા ટોળાનો શિકાર બની ગયો હતો જેને પૈસાની લેતી-દેતી અથવા આરોપીઓ સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ સામુહિક હુમલાનો ભોગ બની જતા ગંભીર ઇજા થઇ હોવાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે અને તેની તબિયતમાં ધીમે-ધીમે સુધારો થઇ રહ્યો છે. જી. જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લાલદાસ દાણીધારીયાનું ઓપરેશન કરી લેવાયા પછી તેની તબિયતમાં પણ ઘણો સુધારો થઇ ગયો છે.