મુખ્ય સુત્રધાર સહિતના આરોપીઓ પાસેથી હથિયાર-વાહનો કબ્જે

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં ભીડભંજન મહાદેવ મંદિર પાસે એક ધાર્મિક સ્થળમાં તોડફોડ કરી હંગામો મચાવવા અને બે યુવાનો પર જીવલેણ હુમલો કરવા અંગેના ચકચારી પ્રકરણમાં ગઇકાલે રાત્રે પોલીસે મુખ્ય સુત્રધાર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓ પાસેથી હુમલામાં વપરાયેલા હથિયારો-વાહનો કબ્જે કર્યા છે, આ હંગામા પ્રકરણમાં ધરપકડનો કુલ આંક ૧૨ નો થયો છે.મળતી વિગત મુજબ જામનગરમાં ભીડભંજન મહાદેવના મંદિરની બાજુમાં આવેલા ગંગેશ્વર મહાદેવના મંદિરમાં આજથી ત્રણ સપ્તાહ પહેલાં રાત્રિના સમયે એક ટોળાએ ધારદાર હથિયારો સાથે ઘસી આવી હલ્લો મચાવ્યો હતો, ધાર્મિક સ્થળ પર સોડા બાટલીનો વરસાદ કરી તલવાર-ધોકા અને છરી જેવા હથિયારો વડે હુમલો કરી બે યુવાનોની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બનાવના જામનગર શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.આ બનાવ અંગે ૧૨ જેટલા શખ્સોના ટોળા સામે ફરિયાદ નોંધાવાઇ હતી અને પોલીસે એક સપ્તાહ પહેલાં એહેમદ કાસમ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી એક રીક્ષા, બાઇક સહિતના વાહનો અને છરી, ધોકા, પાઇપ સહિતના હથિયારો પણ કબ્જે કર્યા હતા, જે તમામ આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા હતા અને પૈસાની લેતી દેતી મામલે આ હંગામો થયો હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું હતું.દરમ્યાન ગઇકાલે રાત્રે સીટી બી ડીવીઝન પોલીસે આ હંગામા પ્રકરણમાં મુખ્ય સુત્રધાર હારુન આંબલીયા ઉર્ફે અબુ પટેલ તેમજ સાજીદ પીરજાદા, ગુલામ વારીસ, શબ્બીર રજાકભાઇ, વલીમામદ અબ્દુલભાઇ, મોહસીન હનીફભાઇ અને ઇમ્તીયાઝ હુશેનભાઇની ધરપકડ કરી લીધી છે, જ્યારે તેઓ પાસેથી તલવાર-છરી, ધોકા સહિતના હથિયારો અને બે બાઇક વગેરે કબ્જે કર્યા છે અને સાતેય આરોપીઓને અદાલત સમક્ષ રજુ કરી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.