ક્લ્બ નું ભવિષ્ય અંધકારમાં  
જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર નજીક આવેલી એક રિસોર્ટ કલબના ભાગીદારો વચ્ચે કોઈ બાબત વિવાદનું કારણ બનતા કલબનું ભવિષ્ય ધુંધળુ ભાસી રહ્યું છે. આવો કોઈ વિવાદ ન હોવાની ઉઠેલી વાત વચ્ચે ભાગીદારો પૈકીના એક આસામીએ બે ભાગીદારોને નોટીસ પણ પાઠવી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત તેઓએ કલબના બેંક એકાઉન્ટને સ્થગિત કરવાની સૂચના આપવા ઉપરાંત શુભ પ્રસંગો માટે કલબ અગાઉથી બુકીંગ કરાવનાર આસામીઓને પણ તેની જાણ કરતા વિવાદ સપાટી પર આવ્યો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા લાખાબાવળ પાસે થોડા વર્ષ પહેલા સેવન સિઝન રિસોર્ટ ઉભું કરવામાં આવ્યું છે. અત્યંત આધુનિકઢબે બનાવવામાં આવેલી આ કલબમાં સભ્ય બનવા માટે જે તે વખતે નિયત કરાયેલી છ આંકડાની ફી ભરપાઈ કરી માલેતુજારોએ સભ્યપદ હાંસલ કર્યું હતું. જ્યારે સાતસો જેટલા વ્યક્તિઓએ ચાર આંકડાની વાર્ષિક ફી ભરી આપી હતી અને તેઓને સદસ્યપદ પ્રાપ્ત થયું હતું. ત્યાર પછી આ કલબમાં અવારનવાર જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તે દરમ્યાન રિસોર્ટના ભાગીદારોમાં કોઈ બાબતે વિવાદ સર્જતા ભાગીદારો જુદા થઈ રહ્યા હોવાની ચર્ચાને હવા મળી છે. તમામ ભાગીદારો ફરીથી એકસૂત્રે બંધાય તેવા કેટલાક વ્યક્તિઓએ કરેલા પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે ત્યારે આ કલબનું ભવિષ્ય શું રહેશે? તે સવાલ સમયના ગર્ભમાં છૂપાયેલો છે.
આવો કોઈ વિવાદ નથી થયો તેવી વહેતી થયેલી વાતો વચ્ચે ભાગીદારો પૈકીના એક આસામીએ અન્ય ભાગીદારોને કોઈપણ પ્રકારનો 'વહીવટ' ન કરવા સૂચના આપી હિસાબમાં ગેરરીતિ ન થાય તે જોવા પણ જણાવ્યું છે. સાવચેતીના પગલારૃપે આ ભાગીદારે કલબના બેંક એકાઉન્ટને પણ ફ્રીઝ કરાવ્યું છે અને હવેથી નવા કોઈ બુકીંગ ન લેવા કે નવી કોઈ કામગીરી ન કરવા તમામ ભાગીદારોને મેઈલથી જાણ કરી છે. આ ઉપરાંત કલબમાં કેટલાક લગ્ન પ્રસંગ કે અન્ય શુભ પ્રસંગ યોજવા માટે અગાઉથી બુકીંગ કરાવી દેનાર આસામીઓને પણ વાકેફ કરવામાં આવ્યા છે. તદ્ઉપરાંત કાનૂની કાર્યવાહી માટે પણ આ ભાગીદાર દ્વારા તજવીજ કરવામાં આવી રહી હોવાની વિગતો સાંપડી છે. ભાગીદારો પૈકીના બેને આ  બાબતની જાણ કરતી નોટીસ પણ મોકલાવી દેવામાં આવી છે. જાણીતી કલબના સાધન સંપન્ન ભાગીદારો વચ્ચે આ પ્રકારનો ઉભો થયેલો વિવાદ કલબના ભવિષ્યને નુકસાનકર્તા રહેશે તેમ લાગી રહ્યું છે.