મમતાએ સુપ્રીમના આદેશને સ્વીકારતા કહ્યું : આ દેશમાં કોઈ જ મોટો બોસ નથી
જામનગર મોર્નિંગ : નવી દિલ્હી. 
પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને સુપ્રીમ કોર્ટમાં જોરદાર આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે શારદા ચીટફંડ કૌભાંડમાં પૂછપરછ માટે સીબીઆઈ સમક્ષ હાજર થવા માટે કોલકાતા પોલીસ કમિશ્રનર રાજીવ કુમારને આદેશ આપ્યો છે. રાજીવ કુમારને સીબીઆઈના શિલોન્ગ સ્થિત મુખ્યાલય પર હાજર રહેવા કોર્ટે જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, રાજીવ કુમારની હાલ ધરપકડ નહીં થાય. બંગાળ સરકારના મુખ્યમંત્રી મમતા બેનરજી સીબીઆઈ વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસથી ધરણા પર બેઠા છે અને ત્યાંથી જ ફોન પર પોતાની સરકારનો વહીવટ ચલાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આ આદેશને પગલે મમતાને એકરીતે આંચકો લાગ્યો છે. જો કે મમતાએ સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકારતા કહ્યું કે- કોઈ જ દેશમાં મોટો બોસ નથી. મમતાએ સુપ્રીમના આ ચુકાદાને પોતાની તેમજ બંધારણની જીત ગણાવી છે.

સુપ્રીમ કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશ્નરને સીબીઆઈની માનહાનીની અરજી પર નોટિસ પાઠવી છે. આ કેસની આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે.  
પુરાવા સાથે ચેડાં થયા: CBIના પક્ષે દલીલ
શારદા ચીટફંડ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સીબીઆઈની અરજી પર સુનાવણી દરમિયાન સીબીઆઈના પક્ષે એટર્ની જનરલ કે કે વેણુગોપાલે દલીલ રજૂ કરતા જણાવ્યું કે રાજ્ય સરકારે પોલીસ કમિશ્નરના વડપણ હેઠળ એસઆઈટીની રચના કરી હતી જેમના દ્વારા પુરાવા સાથે ચેડાં કરવામાં આવ્યા છે અને કૌભાંડની યોગ્ય તપાસ નથી થઈ.તેમણે એવી દલીલ કરી કે પશ્ચિમ બંગાળમાં બંધારણીય સંસ્થાઓ નષ્ટ થઈ છે. વેણુગોપાલે વધુમાં ઉમેર્યું કે એસઆઈટી ડેટા અને લેપટોપની સુરક્ષામાં નિષ્ફળ નિવડી છે. એસાઈટીએ સીબીઆઈને ખોટી કોલ ડીટેલ રિપોર્ટ આપી હતી. પશ્ચિમ બંગાળ સરકારનો પક્ષ રજૂ કરતા વરિષ્ઠ ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે સીબીઆઈ કોલકાતા પોલીસ કમિશ્રનરને હેરાન કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે સીબીઆઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓને હેરાન કરી રહી છે.
ચીફ જસ્ટિસે કહ્યું- પૂછપરછમાં તકલીફ શું છે?
દલીલો બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને જણાવ્યું કે, રાજીવ કુમારને પૂછપરછમાં શું તકલીફ છે? ચીફ જસ્ટિસે જણાવ્યું કે શા માટે કમિશ્નર સીબીઆઈ સમક્ષ રજૂ નથી થઈ રહ્યા? ચીફ જસ્ટિસે પૂછ્યું કે પશ્ચિમ બંગાળ સરકારને અમારા તપાસના આદેશથી શું તકલીફ છે. ગોગોઈની વડપણ હેઠળની બેન્ચે કોલકાતા પોલીસ કમિશ્નરને તપાસમાં સહયોગ આપવા આદેશ કર્યો છે. આ ઉપરાંત મુખ્ય સચિવ, ડીજીપી અને રાજીવ કુમાર વિરુદ્ધ માનહાનીની નોટિસ પણ આપી છે.
કોલકાતા HCમાં રાજીવકુમારની અરજી પર સુનાવણી ટળી
દરમિયાન કોલકાતા હાઈકોર્ટે રાજ્યના પોલીસ કમિશ્નર રાજીવ કુમારનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચતા સુનાવણી ગુરુવાર સુધી સ્થગિત રાખી હતી. કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારે સીબીઆઈ દ્વારા પૂછપરછની વિરુદ્ધ કોલકાતા હાઈકોર્ટમાં ઘા નાંખી હતી. તેમણે હાઈકોર્ટને સીબીઆઈ પૂછપરછમાંથી વચગાળાના રાહત માગતી અરજી કરી હતી. કોલકાતા હાઈકોર્ટે રાજીવ કુમારની અરજી પર સુનાવણી માટે તૈયારી દર્શાવી હતી અને આજે તેની સુનાવણી હતી. જો કે સુપ્રીમ કોર્ટમાં પણ એક મેટર હોવાથી હાઈકોર્ટે આજે સુનાવણી ટાળી છે.