એસપી ઘટના સ્થળે દોડી ગયા : પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરાતા વેપારીઓમાં રોષ ની લાગણી 

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના દરબારગઢ વિસ્તારમાં બર્ધનચોક ખાતે ગાડી ઉપાડવાના પ્રશ્ને પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થતા આ વિસ્તારના વેપારી પોત પોતાની દુકાનો બંધ રાખી દરબારગઢ ચોકીએ રજુઆત માટે પહોંચી ગયા હતા. આ વેળાએ ચર્ચા દરમ્યાન પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ કરવામાં આવતા ટોળું તો વિખેરાઈ ગયું હતું પરંતુ વેપારીઓમાં ભારે નારાજગી પ્રવર્તી છે. એસપી આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 
જામનગરના દરબારગઢ વિસ્તારમાં બર્ધનચોક ખાતે આવેલ સિંધી માર્કેટમાં ટ્રાફીક શાખાના ટોઈંગવાન દ્વારા રોડ વચ્ચે પડેલ ગાડી ઉપાડવા ગયેલ હોય આ વેળાએ ત્યાં પોલીસ કર્મચારી હાજર હોય ગાડી ઉપાડવા બાબતે પોલીસ અને વેપારી વચ્ચે જીભાજોડી થતા આ મામલો દરબારગઢ ચોકી સુધી પહોંચ્યો હતો. જેમાં આ વિસ્તારના વેપારી એકઠા થઇ આ બાબતે ચર્ચા કરતા આ વેળાએ મામલો બીચકતાં અને ટોળું એકત્ર થતા પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આથી પોલીસની કામગીરીથી વેપારીઓમાં ભારે અસંતોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મામલો થાળે પાડવાના પ્રયત્ન હાથ ધર્યા હતા.