મોબાઈલની કોલ ડીટેઇલના આધારે વધુ તપાસ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરની એસઓજી શાખામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ તેમજ કોન્સ્ટેબલને રૂ. સવાલાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા પછી બંનેને રીમાન્ડ પર લીધા હતા. જેઓની રિમાન્ડની મુદ્દત પુરી થતા બંનેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસે બંનેના મોબાઈલ ફોન કબ્જે કરી લઇ કોલ ડીટેઇલના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરની એસ.ઓ.જી. શાખામાં ફરજ બજાવતા ભગીરથસિંહ જાડેજા અને જોગિન્દરસિંહ ચૌહાણને ત્રણ દિવસ પહેલા રાજકોટ એસીબીની ટીમે એક હથિયારના પ્રકરણમાં વધુ આસામીનું નામ નહીં ખોલાવવા માટે અને મોટરસાઇકલ જવા દેવા માટે રૂ. સવા લાખની લાંચની રકમ સાથે રંગે હાથ પકડી લીધા હતા અને બંનેને આજે જેલમાં ધકેલી દેવાનો હુકમ થયો છે. 
રિમાન્ડ દરમ્યાન પોલીસે બંનેના રહેણાંક મકાનની જડતી કરી હતી જો કે કશું હાથ લાગ્યું ન હતું પરંતુ બંનેના બેંકના ખાતાઓની વિગત એકત્ર કરી લેવામાં આવી છે અને તેના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી છે આ પ્રકરણમાં એસ.ઓ.જી. શાખાના અન્ય કોઈ અધિકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવાંમાં આવી રહી છે અને છેલ્લા એકાદ સપ્તાહ દરમ્યાન તેણે કોની કોની સાથે વાતો કરી છે વગેરે સહિતની કોલ ડિટેઇલ કઢવવા માટે બંનેના મોબાઈલ ફોન કબ્જે કર્યા છે અને કોલની ડિટેઇલ કઢાવવામાં આવી રહી છે.