પ્રેમિકાએ પ્રેમીને રાત્રે બોલાવી પતિ સહિત ચાર શખ્સો તૂટી પડ્યા  
જામનગર મોર્નિંગ - મોરબી 
(અમારા પ્રતિનિધિ ઈરફાન પાલેજા દ્વારા) 
મોરબીના પીપળી ગામે કુવામાંથી મૃતદેહ મળ્યાના બનાવમાં પોલીસે આ કામના પાંચ આરોપીને પકડી પાડ્યા છે. આ હત્યા પાછળ પ્રેમ સંબંધ કારણભૂત હોવાનું ખુલ્યું છે. પરિણીત પ્રેમિકાએ પ્રેમીને રાત્રે ૧ વાગ્યે પીપલીના સીમ માં બોલાવ્યો હતો. પ્રેમી યુવક ત્યાં આવતા વેંત જ તેની ઉપર પ્રેમિકાના પતિ અને ભાઈઓ સહિતના ચાર શખ્સોએ હથોળા લઈને તૂટી પડી તેનું ઢીમ ઢાળી દીધું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પોલીસ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે આ કે સુમિલા નામની મહિલાના મૃતક સાથે આડાસંબંધ હોવાની જાણ તેના પતિ ગોરધનને થઈ જતા તેને તેના બે સાળા અને મિત્ર સાથે મળીને સમગ્ર કાવતરું રચ્યું હતું. જે મુજબ સુમિલા મૃતક પ્રેમી યુવકને રાત્રે એક વાગ્યે ફોન કરીને બોલાવ્યો હતો. જેથી આ યુવક નિર્ધારિત સ્થળે ગોદળુ લઈને જેવો પહોંચ્યો ત્યાં ચાર આરોપીએ પાછળથી હથોડાના ઘા ફટકારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. બાદમાં આરોપીઓએ પથ્થર સાથે તેની લાશ બાંધીને તેને કૂવામાં ફેંકી દીધો હતો.
હત્યાના ગુનાને અંજામ આપીને મુકેશ અને ધૂમજી પડધરી તાલુકાના ખામટા ગામે મજૂરી કામે લાગી ગયા હતા. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ મધ્યપ્રદેશમા પોતાના વતન ભાગી ગયા હતા. પરંતુ પ્રોબેશનલ ડીવાયએસપી ચૌધરીએ આ કેસનું પગેરૂ મેળવીને એમપી જઈને સિવિલ ડ્રેસમાં રહી સઘન તપાસ કરી બન્ને આરોપીઓની ત્યાંથી અટકાયત કરી હતી. નોંધનીય છે કે મૃતક યુવાન છેલ્લા ઘણા દિવસથી ગુમ હતો. તેના પરિવારે ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ ગુમસુદાની ફરિયાદ પણ નોંધાવી હતી.