જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર જાલણસર ગામ પાસે એક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જે અકસ્માતના બાઈક ચાલકને ગંભીર ઇજા થઇ છે જયારે પાછળ બેઠેલા તેના નવ વર્ષના પુત્રને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું છે. 
મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામમાં રહેતા સુરેશભા ખીમજીભાઈ અકબરી (ઉ.વ.40) રાત્રે પોતાના જીજે 3 બીએલ 1943 નંબરના બાઈક ઉપર પોતાના નવ વર્ષના પુત્ર યશને પાછળ બેસાડીને કાલાવડથી પોતાના ગામ વજીર ખાખરીયા ગામ તરફ આવતા હતા જે દરમિયાન રાત્રીના 11.30 વાગ્યાના અરસામાં જાલણસર ગામના પાટીયા પાસે પહોંચતા ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.
સામેથી પુરપાટ વેગે આવતી રાજકોટ પાસીંગની જીજે 3 આર 8421 નંબરની આઇટેન કારના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા ગમખ્વાર અકસ્માત નડ્યો હતો જે અકસ્માતમાં બાઇકના ચાલક સુરેશભાઈને ગંભીર ઇજા પહોંચી હતી જયારે પાછળ બેઠેલા તેમના પુત્ર યશ (ઉ.વ.9)ને ગંભીર ઇજા થી હોવાથી તેનું ઘટના સ્થળે જ પોતાની પિતાની નજર સમક્ષ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું ઉપરાંત સુરેશભાઈને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ થતા સુરેશભાઈને મોટાભાઈ બાબુભાઇ ખીમજીભાઈ અકબરી બનાવના સ્થળે દોડી ગયા હતા જેમણે આ અકસ્માત સર્જવા અંગે આઇટેન કારના ચાલાક સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં કારચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે બાળકના મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરાવી મૃતદેહ તેમના સ્વજનોને સોંપી દીધો હતો.