જામનગરના સુમરાચાલી વિસ્તારમાં 

એક યુવાનને બીજા શખ્સે અસ્ત્રા વડે જીવલેણ હુમલો કરતા સારવારમાં ખસેડાયો: પોલીસે હત્યાના પ્રયાસ સબબ ગુન્હો નોંધી શરૂ કરી તપાસ  
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં આજે બપોરે સુમરા ચાલી, ઓસમાણ પીરની દરગાહ પાસે બે યુવાન વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો જેમાં એક યુવાન પર અન્ય શખ્સે અસ્ત્રા વડે જીવલેણ ઇજા પહોંચાડતાં સારવારમાં ખસેડી પોલીસે આ બનાવમાં એક શખ્સ સામે હત્યાના પ્રયાસ સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં સુમરાચાલી, ખોજાના નાકા પાસે આજે બપોરના પોણા ત્રણેક વાગ્યાના સુમારે શબ્બીર ઉર્ફે માઈકલ ઉમરભાઈ ખફી નામના યુવાન પર હુસેન ઉર્ફે ગાંડો ઓસમાણ ખુરેશી નામના શખ્સે કોઈ કારણસર ઝગડો કરી અસ્ત્રા વડે ઉપરાછાપરી પાંચ થી છ ફટકારી જીવલેણ હુમલો કરતા આ યુવાનને ગળામાં તેમજ પેટમાં અને વાંસાના ગંભીર ઇજા પહોંચતા તાકીદે 108 એમ્બ્યલન્સ દ્વારા લોહી લુહાણ હાલતમાં જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ. ત્યાં ડોકટરે આ યુવાનની શસ્ત્રક્રિયા તાત્કાલીક ચાલુ કરી હતી હાલ મળતા અહેવાલ પ્રમાણે યુવાનની સ્થિતિ સ્થીર હોવાનું જાણવા મળી રહ્યું છે, બીજી તરફ આ ઘટનાની જાણ થતા જીવલેણ હુમલાનો ભોગ બનનારના પરિવારના સભ્ય જી.જી. હોસ્પિટલ ખાતે દોડી આવેલ, આ બનાવની જાણ થતા સીટી એ ડિવિઝનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલ ખાતે અને બનાવના સ્થળે દોડી ગયો હતો. બાદ હુસેન ઓસમાણ ખુરેશી નામના શખ્સ સામે હત્યના પ્રયાસ સહિતની જુદી-જુદી કલમ હેઠળ ગુન્હો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે.