મૃતક બંને રોજીયા ગામના વતની: ધ્રોલ ખાતે પાક ધિરાણ લેવા જતી વેળાએ બન્યો કરૂણ બનાવ: ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું  
જામનગર મોર્નિંગ - જામનગર  
ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ પાસે ટવેરા કાર ચાલકે બાઈક સવાર બે વ્યક્તિને જોરદાર ઠોકર મારી હડફેટે લેતા બંનેના ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. આ બનાવની જાણ થતા ધ્રોલ પોલીસે ઘટના સ્થળ પર દોડી જઈ કારચાલક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ ગઈકાલે બપોરના સુમારે ધ્રોલ તાલુકાના રોજીયા ગામે રહેતા રાજુભાઈ (ઉ.વ.39) અને નાથુભા જાડેજા (ઉ.વ.45) નામના બંને યુવાન મોટરસાઈકલમાં ધ્રોલ ખાતે આવેલ બેંકમાં પાક ધિરાણ લેવા માટે જઈ રહ્યા હોય દરમ્યાન વાંકીયા ગામ પાસેથી પુરઝડપે પસાર થતી જીજે 5 સીઆર 6510 નંબરની ટાવેરા કારના ચાલકે બંને બાઈક સવારને ઠોકર મારી પછાડી દેતા બંનેનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે અને મૃતકના પરિવાર તથા નાના એવા રોજીયા ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે અકસ્માતના આ બનાવની જાણ થતા ધ્રોલ પીએસઆઈ વી.કે.ગઢવી તથા સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ કાર ચાલક વિરુધ્ધ ગુન્હો નોંધી મૃતક બંનેના મૃતદેહનું જી.જી. હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.