જામનગરમાં ચાલતા ટ્યુશન ક્લાસમાં ફાયર સેફટીના સાધનો અંગે જામ્યુકોની ટીમ દ્વારા પરોઢીએથી ચેકીંગ 
16 વોર્ડમાં જુદી-જુદી છ ટુકડીઓ દ્વારા સર્વેનો પ્રારંભ કરાયો
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસમાં ફાયર એનઓસીની શું પરિસ્થિતિ છે તે જાણવા માટે જામનગર મહાનગરપાલીકાનું તંત્ર આજે પરોઢીએથી જ હરકતમાં આવી ગયું છે, અને ફાયર બ્રિગેડ, એસ્ટેટ શાખા તેમજ ટાઉનપ્લાનિંગ શાખાની ટીમે સવારે પાંચ વાગ્યાથી જુદા-જુદા કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં ચેકીંગ શરૂ કરી દેવાયું છે, 16 વોર્ડમાં જુદી-જુદી છ ટુકડીઓ દ્વારા સર્વેનું કાર્ય હાથ ધરાયુ છે, જામનગરના એકપણ ટયુશન ક્લાસ પાસે ફાયરનું એનઓસી નથી જેથી તમામ ટ્યુશન ક્લાસ સંપૂર્ણ પણે બંધ કરાવાયા છે. 
સુરતમાં બનેલી આગજની અને માસુમ વિધાર્થીઓના મૃત્યુના બનાવતા સમગ્ર ગુજરાત ભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને રાજ્યભરમાં ટ્યુશન ક્લાસ બાબતે એલર્ટ જાહેર કરાયું છે, અને ફાયરની એનઓસી વગરના ટ્યુશન ક્લાસ બંધ કરાવવાનો આદેશ કરાયો છે, જેના પગલે જામનગર મહાનગરપાલીકાનું તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું મ્યુનિ કમિશનર સતીષ પટેલની કડક સુચનાથી વહેલી સવારે પાંચ વાગ્યે જ સર્વેનો પ્રારંભ કરી દેવાયો હતો. 
જામનગર મહાનગરપાલીકાની ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફીસ બિશ્નોય એસ્ટેટ શાખાના રાજભા ચાવડા અને સુનીલ ભાનુશાળી તેમજ ટીપીઓ શાખાની તેમજ પોલીસની ટીમ વગેરે સવારે પાંચ વાગ્યે ગુરુદ્વારા પાસે આવેલા સૃષ્ટિ કોમ્પ્લેક્ષ, પટેલ કોલોની શેરી નં.3માં આવેલા ગેલેરીયા કોમ્પ્લેક્ષ અને રામેશ્વરમાં આવેલા જૈનમ ક્લાસીસ, જનતા ફાટક પાસે આવેલા રાધીકા ક્લાસીસ સહિતના સ્થળે પ્રારંભિક ચેકીંગ હાથ ધર્યું હતું જ્યાં એકપણ સ્થળે ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ ન હતા, જેથી તમામ ક્લાસીસને બંધ કરી દેવાની સૂચના આપી દેવાઈ હતી.
આ ઉપરાંત શહેરના અન્ય જુદા-જુદા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસમાં સર્વે કરવા અને ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ છે કે કેમ? તે જાણવા માટે જુદી-જુદી છ ટુકડી બનાવી એક ટુકડીને ત્રણ વોર્ડની ગણતરીએ સર્વેની કામગીરી સોંપી દેવામાં આવી છે અને 24 થી 28 કલાકમાં ટ્યુશન ક્લાસ, કોચીંગ ક્લાસનું સર્વે કરવા અને ફાયર સેફટીના સાધનો ન હોય તો તાત્કાલિક અસરથી આવા ટ્યુશન ક્લાસ બંધ કરી દેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે આ આદેશના પગલે જામનગરના ટ્યુશન ક્લાસના સંચાલકો અને વિધાર્થીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.
જામનગર શહેરમાં અંદાજે એકસો થી પણ વધુ ટ્યુશન ક્લાસ ધમધમતા હશે જયારે અન્ય ખાનગીમાં ઘર તથા ઓરડીમાં પણ અસંખ્ય ટ્યુશન ક્લાસ ચાલતા હશે પરંતુ જામનગર મહાનગરપાલીકાની ફાયર શાખાની કચેરીમાં એકપણ ટ્યુશન ક્લાસના સંચાલકો દ્વારા ફાયરનું એનઓસી મેળવાયું નથી પરંતુ સરકારના ગઈકાલના આદેશના પગલે હવે કોઈપણ ટ્યુશન ક્લાસના સંચાલકોએ ફાયરનું એનઓસી મેળવવાનું ફરજીયાત રહેશે અને ત્યાર પછી જ ટ્યુશન ક્લાસ ચલાવવાના રહેશે તેવા આદેશના પગલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 
આ ઉપરાંત ગાર્ડન, રેસ્ટોરન્ટ અથવા બિલ્ડીંગના ધાબા વગેરે સ્થળે આવેલી હોટલોમાં ચેકીંગ  કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હાલમાં આવા હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવેલ છે. જોકે કેટલીક હોટલ માટે ફાયરનું એનઓસી મેળવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે, જો કે હાલમાં ટ્યુશન ક્લાસને પ્રાથમિકતા આપ્યા પછી બે દિવસ પછી તમામ હોટલ રેસ્ટોરન્ટનું પણ સર્વે કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સાથો સાથ જામનગર શહેરમાં આવેલી ખાનગી શાળાઓમાં ફાયર સેફટી અંગેની સુવિધા છે તેની પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે શહેરની કેટલીક શાળાના સંચાલકો દ્વારા ફાયર સેફટીની વ્યવસ્થા ઉભી કરાવેલી છે. અથવા ફાયરનું એનઓસી પણ મેળવાયું હોવાનું જાણવા મળ્યું છે જો કે હાલમાં જે કામગીરીની શાળા બંધ હોવાથી સ્કૂલો શરૂ થયા પછી અથવા વેકેશન પૂર્ણ થયા પછી તેનું પણ સર્વે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સુરતની ઘટનાના પગલે જામનગરના શિક્ષણ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.