તરસાઈ-વાંસજાળીયા રોડ પર ટાયરના ટ્યુબમાં સંતાડેલ 480 લીટર દેશીદારૂ સાથે બે ઝડપાયા 
ત્રણ ફરાર: ટ્રેકટર-ટ્રોલી સહિત 5.10 લાખનો મુદામાલ કબ્જે 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામજોધપુરના તરસાઈ-વાંસજાળીયા રોડ પર ટ્રેક્ટરની ટ્રોલીમાં ટાયરના ટ્યુબમાં દેશી પીવાનો દારૂ લઈ જતા બે શખ્સને રીડર બ્રાંચ રાજકોટની ટીમે ઝડપી લઈ ત્રણને ફરાર જાહેર કરી રૂ. 9600ની કિંમતનો 480 લીટર દેશીદારૂ સહિત કુલ મળી રૂ. 5.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ત્રણને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
દેશી તથા વિદેશીદારૂ ગુજરાત રાજ્યમાં ઘુસાડવા કેટલી વખત બુટલેગરો દ્વારા અવનવા કીમિયાઓ કરવામાં આવે છે ત્યારે આજે જામજોધપુર પંથકમાં બે દેશીદારૂના ધંધાર્થીએ પણ આ પ્રકારનો કીમિયો અજમાવ્યો હોય, પરંતુ સફળ થયા ન હતા અને પોલીસે ટાયરના ટ્યુબમાંથી સંતાડેલ દેશીદારૂ સાથે પકડી પાડ્યા હતા.
મળતી વિગત મુજબ રાજકોટ રેન્જ રીડર બ્રાંચના પીએસઆઈ જયેશ પંડ્યા તથા સ્ટાફે વાંસજાળીયા રોડ પરથી પસાર થતા એક ટ્રેક્ટરની ટ્રોલી સાથે અટકાવી તલાશી લેતા તેમાં ટાયરના ટ્યુબમાંથી દેશીદારૂ મળી આવતા ભરતભાઈ કારાભાઇ મોરી, કાનાભાઇ અરજણભાઈ મોરી નામના વાંસજાળીયા ગામના બે શખ્સને ઝડપી લઈ ટ્રેકટર અને ટ્રોલી સહિત રૂ. 5.10 લાખનો મુદામાલ કબ્જે કરી અરજણ કારા, બધાભાઈ કોળીયાતર (રહે. બંને રાણપર) તથા જયેશ અમરાભાઈ મોરી (રહે. વાંસજાળીયા) નામના ત્રણ શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.