જામનગર કસ્ટમ દ્વારા ઝડપી લેવાયું રૂ. 8 કરોડનો જથ્થો સીઝ 
સ્થાનિક વચ્ચેટિયાની અટકાયત કરી લઈ અમરેલીની સબજેલમાં ધકેલાયો: અંદાજે રૂ. 28 કરોડના કૌભાંડની આશંકા 
જામનગર મોર્નિંગ - જામનગર 
પીપાવાવ બંદર ઉપરથી આમુખ શખ્સો દ્વારા વોલપેપરના એક્સપોર્ટના જથ્થા પર જીએસટીનું રિફંડ મેળવીને મોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમીના આધારે જામનગર કસ્ટમ દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન કરવામાં આવેલી ઝીણવટભરી કામગીરીના અંતે એક સ્થાનિક વચ્ચેટીયાને ઝડપી લેવામાં આવ્યો છે ઉપરાંત 8 કરોડનો એક્સપોર્ટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, દિલ્હીની બોગસ નામની પેઢીઓ દ્વારા રીફંડ મેળવવા માટે મોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાની અને અંદાજે 28 કરોડના કૌભાંડની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. 
મળતી વિગત મુજબ જામનગરના કસ્ટમ કમિશનર શ્રીવાસ્તવને મળેલી હકીકતો પરથી જામનગર કસ્ટમની ટુકડી દ્વારા છેલ્લા ચાર દિવસથી પીપાવાવ પોર્ટ ઉપર ગુપ્ત રાહે  ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમ્યાન એક્સપોર્ટ કરવામાં આવતા વોલ પેપરના જથ્થા ઉપર જીએસટી સહિતની રિફંડ મેળવવાનું મસમોટું કૌભાંડ પ્રકાશવામાં આવ્યું હતું, વોલપેપર ઉપર 18 ટકા જીએસટી લાગે છે પરંતુ તેને વિદેશમાં મોકલવું હોય તો જીએસટીમાંથી મુક્તિ મળે છે જેથી કેટલાક કૌભાંડ કારો દ્વારા આવા એક્સપર્ટના જીએસટી સહિતના બીલો બનાવી માલને એક્સપોર્ટ કરી 90 દિવસના સમયગાળાના બદલે 15 દિવસમાં જ તેનો રીફંડનું બિલ સરકારમાંથી 18 ટકા જીએસટીનું રિફંડ કૌભાંડ આચરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, કસ્ટમની તપાસમાં વોલપેપરનો જથ્થો દિલ્હીની કેટલીક પેઢી દ્વારા એક્સપોર્ટ કરાતું ધ્યાનમાં આવ્યું હતું અને માત્ર કાગળો ઉપર જ સમગ્ર કાર્યવાહી ચાલતી હોવાનો પ્રકાશમાં આવ્યું હતું. 
જામનગર કસ્ટમની ટીમની તપાસણી દરમિયાન પીપાવાવ પોર્ટ ઉપર દિલ્હીની એક્સપર્ટ કરતી પેઢીઓનું કામ કરતા યોગેશ કનુભાઈ ગોરડીયા નામના શખ્સને કસ્ટમની ટીમે અટકાયતમાં લઈ લીધો હતો અને તેની પુછપરછ કર્યા પછી રાજુલાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને અમરેલીની સબજેલમાં મોકલી દેવા આદેશ થયો છે, કસ્ટમ દ્વારા તપાસણી દરમ્યાન પીપાવાવ પરત પર 7 થી 8 કરોડનો વોલપેપરનો જથ્થો મળી આવતા સીઝ કરી લેવામાં આવ્યો છે અને સમગ્ર કૌભાંડની ઉંડાણ પૂર્વકની તપાસ કરાઈ રહી છે હાલમાં રૂ. 3 કરોડ જેટલી જીએસટી રિફંડ કૌભાંડની હકીકતો ધ્યાનમાં આવી છે, પરંતુ અંદાજે 27 થી 28 કરોડનો જીએસટી રીફંડનું કૌભાંડ અંદાજવામાં આવી રહ્યું છે અને દિલ્હીની પેઢીઓ તરફ તપાસ લંબાવાઈ છે.