બંધ કરી દેવા માટે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ડીઆઈજીને રજૂઆત

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાં મહાનગરપાલિકા વાહનોના પાર્કિંગની જગ્યા ફાળવણીમાં નિષ્ફળ નીવડી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારવા વાહનો ટોઈંગ કરવામાં આવતા હોવાથી આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતું વાહનનું ટોઈંગ બંધ કરાવવા ડીઆઈજીને રજૂઆત કરતા ચકચાર જાગી છે. આર.ટી.આઇ એક્ટિવિસ્ટ કલ્પેશભાઈ આસાણી દ્વારા રેન્જ ડીઆઇજીને અરજી કરી માંગણી કરવામાં આવી છે કે, જામનગરમાં ટ્રાફિકશાખા અને ખાનગી ટોઇંગ એજન્સી દ્વારા શહેરીજનોના વાહન ટોઇંગ કરી લઇ જવામાં આવે છે. તે પ્રક્રિયા તદન ગેરકાયદેસરની છે.

તાત્કાલીક ધોરણે આ કામગીરી બંધ કરી દેવામાં આવે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનના આધાર પુરાવા અને કલમોને ટાંકીને તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, વાહન ટોઇંગ અંગે રાજ્ય સરકારના બે અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ સચિવાલય-ગાંધીનગર દ્વારા વર્ષ 1998 અને વર્ષ 2016માં બે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા હતા. જેમા સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આર.ટી.ઓ અને ટ્રાફિક પોલીસ માત્ર સ્થળ પર હેલ્મેટ, ડ્રાઇવીંગ લાઇસન્સ અને સીટ બેલ્ટ વિગેરેના દંડ કરી શકે છે.

રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા તારીખ 5-2-2016ના બહાર પડાયેલા જાહેરનામા મુજબ વાહન પાર્ક કરેલા હોય અને તે કોઇને અડચણરૂપ હોય અથવા તો જોખમરૂપ હોય તો સ્થળ પર રૂપિયા 100નો દંડ વસુલ કરવાનો રહે છે. આ દંડની જોગવાઇમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જાહેર રોડ ઉપર વ્યવસ્થિત રીતે પાર્ક કરેલ અને સીટી રોડ પર પાર્કિંગ વ્યવસ્થા ન હોય ત્યાં એકબાજુ સાઇડમાં રાખેલા વાહનોને આ કાયદો લાગુ પડતો નથી. આ રીતે સ્પષ્ટ થાય છે કે જે શહેરમાં રોડ પર પાર્કિંગની વ્યવસ્થા નથી. તેવા શહેરમાં પાર્ક કરેલા વાહનોને આ જોગવાઇ લાગુ પડતી નથી. જેને ધ્યાને લઇ જામનગરમાં આ ટોઇંગ વાહનોની કાર્યવાહી કાયદેસર રીતે લાગુ પાડી શકાય નહી. તેવું જણાવી કલ્પેશભાઇ આશાણીએ ડી.આઇ.જીને તંત્ર દ્વારા થતી હેરાનગતિ બંધ કરવા માંગ ઉઠાવી છે.