જામનગર મોર્નિંગ - ખંભાળીયા
ગુજરાત સહીત ભારતભરમાં મનમુકીને વરસ્યો મેઘો, પણ કૃષણનગરી દ્વારકામાં ૩ વર્ષથી વરસવાનું તું ભૂલી ગયો કે શું ? જગતનો તાત ખેત વચ્ચે ટેરવા તાણીને શોધે તને, મજુર, વેપારી, અને વગડે ભટકતો માલધારી ત્રણ વર્ષથી શોધે તને તું ક્યાં ગયો ? રિસાણો?, તો મનાવવા આવીએ ! થાક્યો હોય તો સામે હાથ લંબાવીએ ... પણ તું વર્ષી જાને મેઘા !

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા ત્રણેક વર્ષથી મીની દુષ્કાળ જેવી પરિસ્થિતિ વર્તાતી આવે છે. ચાલુ વર્ષે પણ અમુક વિસ્તાર બાદ કરતા લગભગ સરોવર છલકાવ્યા હોય તેવું સામે આવ્યું નથી. શ્રાવણ મહિનાના શરૂઆતના પખવાડીયામાં ૨-૪ દિવસ ઠીક - ઠીક એવો વરસ્યા પછી ફરી ગાયબ થયો ત્યારે લોકોને ફાળ પડી કે, આ વર્ષે પણ વરસાદ નહી થાય તો શું કરશું. આખરે ઇંતેજારીનો અંત આવ્યો હોય એ રીતે, આજ સવારથી જ મોટા પાયે ગાજવીજ સાથે મંડાણ કર્યા છે.

દેવભૂમિ દ્વારકાના દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ તેમજ ખંભાળીયામાં આજ સવારથી ધીમી ધારે વરસવાનું શરુ થયું છે. કલ્યાણપુર અને ખંભાળીયાના અમુક ગામો લાંબા, વિંજલપુર, કેશોદમાં ૩ ઇંચ જેવો વરસાદ હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં પડ્યો છે. તેમજ દ્વારકા, ભાણવડના અમુક ગામોમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે.

આજ સવારથીજ સમગ્ર દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધીમી ધારે તો અમુક વિસ્તારમાં મનમુકીને વરસાદ પડી રહ્યો છે. ત્યારે અહીના લોકોને ફરી એક વખત નવી આશા બંધાઈ છે કે, આ વખતે પાણીની તંગી નહી અનુભવવી પડે. ધીમી ધારે વરસતો વરસાદ, મેઘરાજા મનમુકીને જો વરસે તો ખેડૂતોની આશા પરિણામમાં પલટાઈ જશે. બસ હાલ પુરતું તો, વાદલળી વરસી રે, સરોવર છલી વળ્યા કહેવું મુસ્કેલ રહેશે.. !