જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨૭ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ ખંભાળીયા થી ભાણવડ જતા રોડ પર ગુંદલા ગામ પાસે જર્જરીત હાલતમાં આવેલ પુલ ગઈકાલે તુટી પડતા થોડા સમય માટે રાહદારીઓ રજળી પડ્યા હતા. વૈકલ્પિક રસ્તા માટેની કામગીરી ચાલુ છે પરંતુ હાલતો ધસમસતા પાણીના પ્રવાહમાં થઈને જ વટેમાર્ગુઓ પસાર થઇ રહ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ જામ ખંભાળીયા - ભાણવડ મુખ્ય ધોરી માર્ગ પર ગુંદલા ગામ નજીક પુલ આવેલ છે. જે પુલ ખુબજ જુનવાણી અને જર્જરિત હાલતમાં આવેલ હતો. તે પુલ પર ગઈકાલે રાબેતા મુજબ વાહનવ્યવહાર ચાલુ હતો એ સમયગાળા દરમ્યાન જ પુલના એક બાજુનો ભાગ એકા-એક બેસી જતા રાહદારીઓ રસ્તે જ રજળી પડ્યા હતા. બાદમાં માર્ગ - મકાન વિભાગને જાણ થતા વૈકલ્પિક રસ્તા માટે સ્થળ પર આવતા પુલ નીચેથી પાણીનો પ્રવાહ ચાલુ હોય માટે સાઈડમાંથી વૈકલ્પિક રસ્તો કાઢવો પણ મુસ્કેલ બની જવા પામ્યો છે. હાલમાં તો રાહદારીઓ પાણીના ધસમસતા પ્રવાહ માંથી પુલની બાજુમાં થઈને વાહનો પસાર કરી રહ્યા છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગઈકાલ થી જ વૈકલ્પિક માર્ગ માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે પણ પાણીનો પ્રવાહ શરુ હોવાથી વૈકલ્પિક રસ્તાની નીચે પાણીનો પ્રવાહ વહી શકે તે માટે વ્યવસ્થા કરવી પડે તેમ હોવાથી વૈક્પીક રસ્તો બનાવવા માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. આવતી કાલ સુધીમાં વૈકલ્પિક રસ્તો તૈયાર થઇ જશે તેવી માર્ગ અને મકાન વિભાગના સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલતો રાહદારીઓ પોતાના જોખમે ધસમસતા પ્રવાહમાં થઈને પસાર થઇ રહ્યા છે.