વધુ ચાર આરોપીઓની શોધખોળ ચાલુ: રિમાન્ડ માટે હાથ ધરાતી તજવીજ: જામનગર-અમદવાદ પોલીસ દ્વારા હાથ ધરાતી સંયુક્ત કામગીરી 

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં ગત તા. 14-11ના રોજ રાત્રીના સમયે ફરિયાદી પ્રો. પરસોતમભાઈ રાજાણીની હુન્ડાઈ ક્રેટા કાર ઉપર ફાયરિંગ કરવાનો બનાવ બન્યો હતો, આ ગુન્હામાં આરોપીઓને ઝડપી લેવા માટે જામનગર પોલીસ અધિક્ષક શરદ સિંઘલે સૂચના કરી હતી, દરમ્યાન એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજીયા તેમજ એસઓજી પીઆઈ કે.એલ. ગાધે તેમજ એલસીબી, એસઓજીના સ્ટાફને સૂચના મળી હતી, અને આ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ઝબ્બે કરી લેવા માટે એલસીબી, એસઓજીની ચાર ટિમો બનાવવામાં આવી હતી અને આ દરમ્યાન અમદાવાદ ખાતેથી એટીએસને સાથે રાખી આરોપીઓની તપાસ ચલાવવામાં આવી રહી હતી. 
મળતી વિગત મુજબ જામનગરમાં સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટ વિગેરે મુજબના બનાવ ગત તા. 14-11-2019ના રોજ 1.30 થી 2.00 વાગ્યા દરમ્યાન ઓશવાળ-3 ખાતે આવેલ ઓમ વિલા નામના મકાનમાં બન્યો હતો, આ સંદર્ભે ફરિયાદી પરસોતમભાઇ રવજીભાઈ રાજાણી (પટેલ) રહે. ઓશવાળ-3 જામનગર વાળા મહિલા કોલેજના પ્રોફેસર હોય તેમજ જમીન-મકાનની દલાલીનું કામ કરતા હોય લાલપુર બાયપાસ નજીક ક્રિષ્ના પાર્ક ખાતેના પ્લોટ માલિક મહેશભાઈ વારોતરિયાના પ્લોટ વેચાણની દલાલી કરેલી હોય, જે પ્લોટ માલિક મહેશભાઈ વારોતરિયાએ આરોપી ભૂમાફિયા જયેશ રાણપરીયા વિરુધ્ધ અગાઉ જમીનના વાદ-વિવાદ અંગેના ત્રણ ગુન્હા દાખલ કરાવ્યા હતા, જેથી ક્રિષ્ના પાર્કના આ પ્લોટોનો સોદો કેન્સલ કરવા માટે આરોપી જયેશ મુળજીભાઈ રાણપરીયાએ ફરિયાદી પરસોતમભાઇ રાજાણીને તથા સાહેદને અવારનવાર વ્હોટ્સએપ કોલ કરી ધમકી આપી હતી અને આ પ્લોટોના સોદાઓ કેન્સલ નહીં કરાવતા આરોપીએ આ બાબતનું મનદુઃખ રાગ- દ્વેશ રાખી રાત્રી દરમ્યાન ફરિયાદીના મકાનની બહાર પાર્ક કરેલી હુન્ડાઈ ક્રેટા કાર ઉપર તેમજ હવામાં ફાયરિંગ કરી ગુન્હો આચર્યો હતો, જેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, આ ફરિયાદમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ તેમજ નગરસેવક અતુલ ભંડેરીના નામો જાહેર થયેલ હોય જે દરમ્યાન આરોપી નગરસેવક અતુલ ભંડેરી ની તા. 15-11ના રોજ ધોરણસરની કાર્યવાહી કરી અટકાયત કરવામાં આવી હતી, જે બાદ અદાલતમાં તેની રિમાન્ડ માટે માંગણી કરાતા અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા અને હાલ નગરસેવક અતુલ ભંડેરી ત્રણ દિવસના રિમાન્ડ પર છે. 
દરમ્યાન આ અંગે ફરિયાદીના મકાનમાં સીસી ટીવી ફૂટેજ તેમજ રોડ ઉપર પસાર થતા જાહેર રસ્તાના ફૂટેજો એલસીબી તેમજ એસઓજી પોલીસની ટીમો દ્વારા ચેક કરવામાં આવ્યા હતા જેમાં આ બનાવની રાત્રીના ફરિયાદીના ઘર ઉપર ફૌરિન્ગ કરવામાં ત્રણ મોટર સાયકલમાં આવેલા શખ્સો પૈકી ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉંમર નાયક પઠાણ અને દાઉદ ઉર્ફે દાવલો આરીફ મુસાણી ઘાંચી (રહે. બંને જામનગર) હોવાનું દરિયાદમાં ખુલવા પામ્યું હતું, આ બંને શખ્સો અગાઉ હત્યા, હત્યાની કોશિષ, મારામારી તથા હથિયારો જેવા ગંભીર ગુન્હાઓ આચર્યા હોય અને ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા હોય દરમ્યાન આ અંગે ખાનગી રાહે તપાસ હાથ ધરતા જાણવા મળેલ હતું કે, ઉપરોક્ત બંને આરોપીઓ ગુન્હા આચરી ભાવનગર તરફ નાસી ગયા હોય અને ત્યાંથી પોતાના મોબાઈલ વગેરે બદલી તેમને અમદાવાદ ચાલ્યા ગયા હોવાની ચોક્કસ માહિતી મળતા અમદાવાદ એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લ તથા ડીવાયએસપી રોજીયા દ્વારા તેમની ટીમના સહયોગથી જામનગર એસઓજી પીઆઈ કે.એલ. ગાધે, અને તેમની ટીમે સયુંકત ઓપરેશન હાથ ધરી અમદાવાદના ઊજાલા સર્કલ પાસેથી ઉપરોક્ત બંને આરોપીઓને ઝડપી લઈ તેમની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરવામાં આવી હતી.
વધુમાં તપાસ દરમ્યાન ઉપરોક્ત બંને આરોપીઓએ આ કામને અંજામ આપવા માટે વ્હોટ્સએપ કોલથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને કામ પાર પાડવા જણાવેલ હતું, જેથી ઉપરોક્ત બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આ અંગે વધુ ચાર આરોપીઓને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. 
આ ગુન્હામાં આરોપીઓએ વાપરેલી પિસ્તોલ, ત્રણ વાહનો તથા અન્ય આરોપીઓની તપાસ માટેની તજવીજ હાલ ચાલુ છે, જે માટે બંને આરોપીઓની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, આ કાર્યવાહી એટીએસ અમદાવાદ, એલસીબી, એસઓજી જામનગર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી.