• સરકાર ખેડુતોની તરફેણ કરવાનાં બદલે મૂકપ્રેક્ષક બનીને તમાચો જુએ છે !
જામનગર મોર્નિંગ - જામનગર / દ્વારકા : વ્યક્તિ વીમા પોલિસી ત્યારે જ લિયે જયારે તેમને ડર હોય કે કદાચ માલ, મિલકત, કારખાના કે વાહનમાં આકસ્મિક નુકશાન થાય તો વીમા કંપની પોલીસીના નિયમ મુજબ નુક્શાનનું વળતર ચૂકવી આપે.

મહદઅંશે જયારે વાહન,કારખાના, ઔદ્યોગિક એકમોમાં અકસ્માતે નુકશાન થાય ત્યારે વીમા કંપનીઓ પોલિસી મુજબ નુક્શાનની ભરપાઈ કરી આપે છે. પણ વાત જયારે ખેડુત અને ખેતીની આવે ત્યારે આવા નિયમનું પાલન થતું નથી અને નિયમોનું પાલન કરવા માટે સરકાર પણ વીમાકંપનીઓ સાથે કડક હાથે કામ લેતી નથી તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ આવે છે.

ખેડુત પાકવીમા કંપનીઓ પાસેથી પોલિસી એટલા માટે જ ખરીદે છે કે જયારે તેમના પાકમાં આકસ્મિક, કમોસમી વરસાદ,  અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવા સમયમાં નુકશાન થાય ત્યારે તેમને પૂરતું વળતર પાકવિમાં કંપની પાસેથી મળી રહે. પાકવીમા કંપનીઓ પ્રિમયમ વસુલવા સમયે કંઈજ જોતી નથી પણ જયારે ખેડૂતના ઉભા પાકને કે કાપણી કરેલ પાકને મહત્તમ નુકશાન થાય ત્યારે તેની ફરિયાદ લઈને ખેડુત પાકવીમા કંપનીમાં જાય છે ત્યારે પાકવીમા કંપનીઓ ખેડૂતોને અવગણે,અપમાન કરે,દાંડાઈ કરે કાયદેશરની આડોળાઇ કરે આ બધું સરકાર નરી આંખે જોવે છતાં સરકાર પણ મૂકપ્રેક્ષકની ભૂમિકા નિભાવે એ વાત વ્યાજબી ગણી શકાય નહી.

આ વર્ષે દેવભૂમિ દ્વારકા, જામનગર સહીત અનેક વિસ્તારોમાં વરસાદ ખરીફ સીઝન પુરી થવા સમયે એટલે કે પાછતરો પડ્યો અને ધોધમાર પડ્યો એટલે અમુક ખેડૂતના ખેતરોમાં જરૂરિયાત સમયે સિંચાઈની સગવડતા ના થઇ શકવાના કારણે પાક નિષ્ફળ ગયો તો અમુક વિસ્તારમાં પાછતરો ધોધમાર વરસાદ પડતા ઉભા પાક સહીત ખેતરો ધોઈ નાખ્યા અને છેલ્લે બાકી રહી ગયું હતું ત્યાં કાપણી,લણણી સમયે વરસાદ પડતા ખેડૂતના હાથમા આવેલ પાક વેડફાઈ ગયો હવે જયારે આ બાબતની ફરિયાદ પાકવીમા કંપનીઓમાં કરે છે ત્યારે નુકશાનનું વળતર ના ચૂકવવું પડે એટલે પાકવીમા કંપનીઓ નિતનવા ફતવા કાઢીને ખેડૂતો સાથે આડોળાઇ કરે છે.

ખેડૂતોના પાકમાં થયેલ નુક્શાનનું તાત્કાલિક સર્વે કરવાનાં બદલે ખેડુતોની વાત કે ફરિયાદ સાંભળવાની યેનકેન પ્રકારે પાકવિમાં કંપનીઓ એ બંધ કરી દીધી છે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સરકારના સીધા નિયંત્રણ હેઠળ આવે છે અને પાકવીમા કંપનીઓ પણ સરકાર જ નક્કી કરે છે. પણ જયારે પાકવીમા કંપનીઓની આડોળાઇ સામે સરકાર કડક હાથે કામ લેવાના બદલે મૂકપ્રેક્ષક બનીને તમાચો જુએ છે.

જયારે ઔદ્યોગિક એકમ કે વાહન, માલ -મિલકતની પોલિસી લીધેલ હોય તેમાં અકસ્માતે નુકશાન થાય તો વીમા કંપનીઓ દ્વારા તત્કાલ નુકશાન સર્વે કરીને વળતર ચૂકવી આપવામાં આવે છે એજ રીતે ખેડુત પોલિસી ખરીદે છે પ્રિમયમ ભરપાઈ કરે છે છતાં જયારે પાકમાં નુકશાન થાય ત્યારે ફરિયાદ કરે તો પણ ખેડુતને પૂરતું કે સમયસર વળતર પાકવીમા કંપનીઓ દ્વારા ચુકવવામાં આવતું નથી આવી બેવડી નીતિ સામે ખેડૂતો પણ હવે રોષે ભરાયા છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં તાજેતરના વીતેલા વર્ષોમાં ખેડૂતોએ પાકવીમો મેળવવા માટે સરકારને પોતાના લોહીથી સહીઓ કરીને અરજીઓ કર્યાના દાખલા પણ મૌજુદ છે.

ભરત હુણ - તીરછી નજર (કોલમ)