અયોધ્યા કેસ : વિવાદિત જમીન રામલલા ન્યાસને મળશે, મસ્જિદ નિર્માણ માટે અલગ જમીન આપવા કેન્દ્રને સુપ્રીમનો આદેશ

મહત્વના ચુકાદાને પગલે સુપ્રીમ કોર્ટનો રૂમ ખીચોખીચ ભરાયો, વકીલો અને મીડિયા કર્મીઓના ધાડા ઉતર્યા

જામનગર મોર્નિંગ - નવી દિલ્હી

બાબરી મસ્જિદ અને અયોધ્યા રામ મંદિર જમીન વિવાદના ટાઈટલ કેસનો સુપ્રીમ કોર્ટમાં મહત્વનો ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે વિવાદિત માળખાની 2.77 એકર જમીન હિન્દુ પક્ષકારો એટલે કે રામલલા ન્યાસને આપવા આદેશ આપ્યો છે. જ્યારે સામે મુસ્લિમ પક્ષકારોને નવી મસ્જિદનું અન્ય સ્થળે નિર્માણ કરવા માટે સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપવા કેન્દ્રને આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે હવે રામ મંદિર એ જ સ્થળે બનશે અને મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં ટ્રસ્ટની રચના કરવા સુપ્રીમે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની પાંચ જજોની ખંડપીઠે સર્વાનુમતે આ ચુકાદો આપ્યો છે. ચુકાદા બાદ કોર્ટની બહાર કેટલાક વકીલોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. 

સવારે સાડા દસ વાગ્યે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સહિતના પાંચ જજોની બંધારણીય ખંડપીઠ દ્વારા ચુકાદો આપવાની શરૂઆત થઈ. સુપ્રીમ કોર્ટમાં મહત્વના ચુકાદાને પગલે કોર્ટરૂમ ખીચોખીચ ભરાયેલો છે. મોટાપાયે વકીલો કોર્ટરૂમમાં હાજર રહેતા સુરક્ષાકર્મીઓને અંદર વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી રહી છે. મીડિયાના કર્મચારીઓ પણ મોટાપાયે કોર્ટમાં હાજર છે.

પાંચ જજોની ખંડપીઠે શિયા વક્ફ બોર્ડની અરજીને ફગાવી દીધી છે. બાબરી મસ્જિદની નોંધણી શિયા વક્ફ બોર્ડમાં થઈ છે જેને પગલે સુન્ની વક્ફ બોર્ડે આ મસ્જિદ પોતાના નામે નોંધણી માટે દાવો કર્યો હતો. જૂની વાયકા મુજબ બાબરે આ મસ્જિદનું નિર્માણ તેના શિપાહીઓની મદદથી કરાવ્યું હતું. બાબર સુન્ની હતો જ્યારે મસ્જિદની તખ્તી પર મિર બાકીનું નામ છે અને તે શિયા હોવાનું કહેવાયું છે. જો કે સુન્ની વક્ફ બોર્ડે 1961માં સૌપ્રથમ વખત આ સ્થળનો કબ્જો મેળવ્યો હોવાનો દાવો કરાયો છે.   

સુપ્રીમ કોર્ટે દાવો કર્યો છે કે આ જમીન સરકારની માલિકીની છે અને પરિણામે શિયા-સુન્ની વક્ફ બોર્ડની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાની અરજી પણ ફગાવી દીધી છે. 

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, નિર્મોહી અખાડાએ રામલલાના અનુયાયી કે વ્યવસ્થા કરનારા નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું કે અખાડા દ્વારા કરાયેલો દાવો કેટલીક મર્યાદાને લીધે રદ કરી દેવામાં આવ્યો છે. બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, રામજન્મભૂમિએ એ ન્યાયી વ્યક્તિ નથી. સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી કરી રહેલી ખંડપીઠમાં જસ્ટિસ એસ એ બોબડે, ડી વાય ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ એ નઝીરનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટે પુરાતત્વ વિભાગના તથ્યો અને સંશોધનને આધારે ચુકાદો આપી રહી છે. પુરાતત્વ વિભાગના સંશોધન બાદના અહેવાલ મુજબ બાબરી મસ્જિદ ખાલી જમીન પર નથી બની પરંતુ તેની નીચે મંદિર હતું તેવો અહેવાલ એએસઆઈએ આપ્યો હતો. પરંતુ મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે તેવા પણ કોઈ પુરાવા એએસઆઈએ આપ્યા નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુસ્લિમ સમાજે મસ્જિદ ત્યજી હોવાના કોઈ પુરાવા નથી. હિન્દુઓની હંમેશા આસ્થા રહી છે કે ગુંબજની નીચે ભગવાન રામનું જન્મસ્થળ છે. એક વાત સ્પષ્ટ છે કે મુસ્લિમો આંગણાની અંદરના ભાગમાં નમાજ અદા કરતા હતા જ્યારે બહારના ભાગમાં હિન્દુઓ પ્રાર્થના કરતા હતા.