પખવાડિયા પૂર્વે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી જીવનો જોખમ હોવાનું જણાવેલ: ભૂમાફિયા જયેશ પટેલ વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરનાર નિશા ગોંડલીયા પર ફાયરિંગની ઘટના 
જામનગર મોર્નિંગ - જામનગર  
ભૂ-માફીયા જયેશ પટેલ વિરૃદ્ધ પોલીસમાં ફરીયાદ કરનાર નિશા ગોંડલીયા પર જીવલેણ હુમલો થયો છે. શુક્રવારે બપોરે તેઓ કારમાં જામનગરથી ખંભાળીયા તરફ જતાં હતાં. ત્યારે તેમના પર અન્ય વાહનમાં આવેલા શખ્સો પૈકીના એક શખ્સે રીવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.
આ અંગે નિશા ગોંડપલિયાએ ફરિયાદ કરી હતી. નિશાનું કહેવું છે કે, તેણે આ અંગે ફરિયાદ તો કરી છે પણ તેનું પરિણામ શું આવશે. એસપી પોતે આરોપીને બચાવવાના પ્રયત્નો કરતાં હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો છે.
મળતી વિગત મુજબ નિશા ગોંડલીયા બે મહિના પહેલાં વાલ્કવેશ્વરી નગરીમાંથી જતાં હતાં ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. તે ઉપરાંત નિશાએ પોતાના બનેવીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાના બિટકોઈન જયેશ પટેલે પડાવી લીધાની પણ રાજકોટ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પખવાડીયા પૂર્વે નિશાએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી પોતાની જાન પર ખતરો હોવાનું જણાવ્યું હતું. તદ્દ ઉપરાંત નિશાએ સીઆઈડી ક્રાઈમ ને પણ પત્ર પાઠવી પોતાની હત્યા જયેશ પટેલ કરાવી નાખશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. 
શુક્રવારે સવારે કારમાં ખંભાળીયા તરફ જવા રવાના થયેલા નિશા ગોંડલીયા જ્યારે આરાધના ધામ નજીક પહોંચ્યા ત્યારે તેમના પર ફાયરિંગ કરી આરોપીઓ નાસી છુટયા હતાં. ઈજાગ્રસ્ત યુવતીને ખંભાળીયા દવાખાને ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. અને બનાવના સ્થળે પોલીસ કાફલો ધસી ગયો હતો. નિશા ગોંડલિયાએ આ અંગે ફરિયાદ કરી અને તંત્ર વિરુધ્ધ આક્ષેપો પણ કર્યા હતા.