જામનગર મોર્નિંગ - દ્વારકા તા.01/12 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં નગર પાલિકા દ્વારા રોડ-રસ્તો બનાવવા ખોદકામ કરવામાં આવતાં 400 વર્ષ પુરાણું પૌરાણિક ભોંયરૂ મળી આવતાં કુતૂહલ સર્જાયું હતું. જો કે, પ્રાચીન ઈમલો મળી આવતાં હાલ મામલતદાર, જિલ્લા કલેકટર અને પુરાતત્વ વિભાગને જાણ કરી આ ખોદકામ અટકાવી દેવામાં આવ્યું છે.

ભાણવડ ખાતે આવેલ રાજેન્દ્ર રોડ ઉપર દરબાર શેરીમાં નવી મસ્જિદ પાસે નગર પાલિકા દ્વારા રોડ-રસ્તાના કામ માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જેસીબીથી ખોદકામ કરતી વેળાએ વિશાળકાય ભોંયરૂ મળી આવતાં તુરંત જ કામ અટકાવી દેવામાં આવ્યું હતું અને આ વાત વાયુ વેગે સમગ્ર શહેરમાં પ્રસરી જતાં લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.