• નાગરિકની અરજીઓની જેમ અધિકારીના આદેશોને પણ ઘોળીને પી જતી ભાણવડ મામલતદાર કચેરી !

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૦૮ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં ખાનગી કંપનીને અપાયેલ માઈનીંગ લીઝની ગેરરીતી બાબતે અરજદારએ દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટરરશ્રીને તા.૨૪/૦૯/૨૦૧૮ના રોજ લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું હતું કે ભાણવડ તાલુકાના ઢેબર ગામના રે.સર્વે નંબર - ૧૬૬ અને ભવનેશ્વર ગામના રે.સર્વે નંબર - ૧૩૮માં સંયુક્ત રીતે ૫૦ વર્ષના પટ્ટે ખાનગી કંપનીને માઈનીંગ લીઝ અપાયેલ છે. ઢેબર ગામના સર્વે નંબર - ૧૬૬ તથા ભવનેશ્વર ગામના સર્વે નંબર - ૧૩૮માં ગૌચરની જમીન આવેલ છે. જેથી માઈનીંગ લીઝ આપતી વખતે આ બંને સર્વે નંબરો પૈકી ક્યાં સર્વે નંબરમાં લીઝ આપેલ છે તે સ્પષ્ટતા કરેલ નથી . અને આખા સર્વે નંબરમાં લીઝના ડીડની નોંધણી થયેલ છે .

જે રજૂઆત અન્વયે જીલ્લા કલેકટરશ્રીએ તા.૦૪/૧૦/૨૦૧૮ના રોજ ભૂસ્તરશાસ્ત્રીને તપાસ અંગે જણાવેલ ભૂસ્તરશાસ્ત્રીએ તા. ૦૯/૧૦/૨૦૧૮ના રોજ મામલતદારશ્રી ભાણવડને આ અંગે પત્ર લખીને ગૌચરની જમીન ક્યાં સર્વે નંબરમાં અને ક્યારથી નિમાઈ તે અંગે તપાસ કરીને આધાર - પુરાવા સાથે અહેવાલ કરવા જણાવાયું હતું.

આમ દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર અને ભૂસ્તરશાસ્ત્રીએ મામલતદાર કચેરી ભાણવડને તપાસ સોપ્યાના ૧ વર્ષ અને ૨ મહિના જેટલો સમય વીત્યા છતાં પણ મામલતદાર કચેરી ભાણવડએ આ તપાસ પૂર્ણ કરી નથી અને અહેવાલ પણ મોકલ્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી કચેરીમાં સમય મર્યાદા વીત્યા બાદની અરજીઓ પડતર રહે ત્યારે તેની નોંધ તુમાર રજીસ્ટરમાં કરવી પડે અને પડતર રહેવા અંગેનો ખુલાસો આપવો પડે તેમજ દર મહીને જીલ્લા કક્ષાએ રેવન્યુ અધિકારીની મીટીંગમાં પણ કેટલી અરજીઓ / તપાસો પડતર રહેલી છે તેની માહિતી દરેક માલતદાર કચેરીએ આપવી પડતી હોય છે.