સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં કોલેજમાં એક વિદ્યાર્થીએ ઉશ્કેરાઇ જઇને પ્રિન્સિપાલ પર કાતરથી હુમલો કરી દીધો. બાદમાં લોહીલુહાણ હાલતમાં પ્રિન્સિપાલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વિધાર્થીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ વી એમ મહેતા કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી, આ દરમિયાન વિદ્યાર્થી ચોરી કરતાં પકડાયો હતો. નિયમ પ્રમાણે કોલેજના પ્રિન્સિપાલ જ્ઞાનેન્દ્રસીંગે વિદ્યાર્થીને ઠપકો આપી માફીપત્ર લખાવી રહ્યાં હતા.જેમાં વિદ્યાર્થીને સોરી લખાવવામાં આવી રહ્યું હતું. જો કે આ દરમિયાન ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ અચાનક કાતર વડે પ્રિન્સિપાલ જ્ઞાનેન્દ્રસીંગ પર હુમલો કરી દીધો જેના કારણે પ્રિન્સિપાલને છાતીના ભાગે ઇજા પહોંચી અને લોહી વહેતું થઇ ગયું. બાદમાં જ્ઞાનેન્દ્રસીંગને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 
ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને બીજી તરફ કોલેજમાં રહેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પ્રિન્સિપાલ પર હુમલો કરનાર ધર્મરાજસિંહ જાડેજા (રહે. ગાંધીનગર) નામના વિધાર્થીની અટકાયત કરી લીધી હતી સીસીટીવી ફુટેજમાં ઓફિસમાં જ આ વિધાર્થીએ ઉશ્કેરાઈને સૌપ્રથમ પ્રિન્સિપાલ સાથે ઝપાઝપી કરી અને નીચે પછાડી દીધા હતા ત્યારબાદ કાતરથી હુમલો કરાયાનું જાણવા મળી રહ્યું છે આ વેળાએ ઓફિસમાં રહેલા કોલેજના સ્ટાફે પણ આ વિધાર્થીને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. અને બાદમાં પ્રિન્સિપાલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં તેની અટકાયત કરી લેવામાં આવી હતી.