જામનગર મોર્નિંગ - જામનગર 
બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલ આંદોલનને ટેકો આપી એનએસયુઆઈ દ્વારા શનિવારે કૉલેજ બંધનું એલાન આપતાં આજે જામનગર એનએસયુઆઈ દ્વારા શહેરની તમામ કૉલેજોમાં શિક્ષણકાર્ય બંધ કરાવવામાં આવ્યું હતું.
ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલય પરીક્ષા મામલે છેલ્લા 3 દિવસથી ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સરકારે સિટ દ્વારા તપાસની ખાત્રી આપવા છતાં વિદ્યાર્થીઓએ આંદોલન ચાલુ રાખતાં આ આંદોલનને કોંગ્રેસ વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા સમર્થન આપી શનિવારે રાજ્યની તમામ કૉલેજોમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજે રાજ્યવ્યાપી કૉલેજ બંધનું એલાન હોવા છતાં શહેરની અનેક કૉલેજમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રહ્યું હતું. જો કે, સવારથી જ જામનગર શહેરની ચાલુ રહેલી સરકારી-ગ્રાન્ટેડ અને ખાનગી કૉલેજો એનએસયુઆઈ દ્વારા બંધ કરાવવામાં આવતાં શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ ગયું હતું.
આજ સવારથી જામનગર જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, ઉપપ્રમુખ સૈયદ જૈનુલ બાપુ, પ્રદેશ મંત્રી અસફાકખાન પઠાણ, મહિલા મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સહારાબેન મકવાણા, કોર્પોરેટર જૈનબબેન ખફી, જામનગર શહેર મહામંત્રી કોંગ્રેસ સાજીદ બ્લોચ, મહામંત્રી અફજલ સમા, મંત્રી આફતાબ સફિયા, દિલાવરસિંહ, આશિષભાઇ વસીયર, મેહુલભાઇ વસીયર, સુભાષભાઇ ગુજરાતી ઓબીસી પ્રમુખ, જામનગર શહેર, સનેટ દલ, સાવન ફલિયા સહિતના આગેવાનો-કાર્યકરો દ્વારા કૉલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવવામાં આવ્યું હતું.