ફરિયાદીની સાથે કામ કરતા આરોપીએ તેના સાળાને માહિતી આપી લૂંટનું કાવતરૂ રચ્યું: પાંચ આરોપી ઝડપાયા: લૂંટારૂઓએ રેકી કર્યાનું ખુલ્યુ: એક આરોપીની અટક બાકી 

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના સત્યમ અન્ડરબ્રીજ પાસે બુધવારે ગેસ કમ્પનીના કર્મચારીને આંતરીને છરી બતાવી રૂ. 11.19 લાખની લૂંટ ચલાવીને બાઇકમાં આવેલા બુકાનીધારીઓ નાશી છૂટતા ભારે ચકચાર મચી જવા પામી હતી, પોલીસે નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજ ચેક કરી જુદી જુદી ટુકડીઓને દોડતી કરી હતી, દરમ્યાન કનસુમરા પાસેથી લૂંટમાં ગયેલો થેલો, 64 હજારની રકમ અને મોબાઈલ મળી આવ્યો હતો, આ લૂંટનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી અને ફરિયાદીની સાથે જ કામ કરતા શખ્સએ તેના સાળાને ટ્રીપ આપી તેના સાળાએ ભાડુતી માણસો રાખી લૂંટને અંજામ આપ્યો હતો અને ઠેબા ગામની બાવળની કાંટમાં લૂંટના પૈસાનો ભાગ પાડતા હોય ત્યારે પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગરના મંગલદીપ સોસાયટીમાં રહેતા મુળ ખંભાળિયાના આલાભાઈ ભીખાભાઈ રાઠોડ નામનો યુવાન રાઈટર સેફગાર્ડ કંપનીમાં નોકરી કરતો હોય અને બુધવારના રોજ અલગ અલગ પેઢીમાં રોકડ લઈ થેલામાં રાખી બેંકમાં જમા કરાવવા માટે પોતાનું બાઈક લઈને નીકળ્યા હતા, પવનચક્કી પાસેથી એક પેઢીનું કલેક્શન લેવાનું હોય આથી તેઓ ગોકુલનગર વાળા રસ્તે નીકળ્યા હતા અને સત્યમ અન્ડરબ્રિજ પાસે પહોંચતા ત્રણ અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધેલી હાલતમાં બાઈક લઈને ઘસી આવ્યા હતા, આલાભાઈને છરી બતાવી ઢીકાપાટુનો માર મારી 11.14 લાખની રોકડ ભરેલો થેલો અને 5 હજારની કિંમતનો ફોનની લૂંટ ચલાવીને નાશી છૂટ્યા હતા.


એસ.પી., એલસીબી સહિતનો કાફલો દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં આરોપીઓ કેદ થયા હતા, નાકાબંધી કરીને જુદી જુદી ટુકડીઓને કામે લગાડવામાં આવી હતી, કનસુમરા રોડ પરથી લૂંટમાં ગયેલો ખાલી થેલો, ટ્રેકર અને 64 હજારની રોકડ મળી આવી હતી, જયારે પુલ પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો, આરોપીઓની શોધખોળ માટે તપાસનો ધમધમાટ આદર્યો હતો, દરમ્યાનમાં આ લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખવામાં એલસીબી અને સીટી સી ડિવિઝન પોલીસને સફળતા મળી હતી. 
આરોપીઓનું છેલ્લું લોકેશન નાઘેડી પાસે જોવા મળ્યું હતું આથી પોલીસની એક ટીમ દ્વારા આ દિશામાં તપાસ લંબાવી હતી, દરમ્યાનમાં ત્રણથી ચાર શખ્સોને રાઉન્ડઅપ કરી પુછપરછ હાથ ધરી હતી, જેમાં કેટલીક કડીઓ પોલીસને મળી હતી. બાદમાં પોલીસને બાતમી મળી હતી કે લૂંટના પૈસાનો ભાગ પાડવા એકઠા થવાના છે અને પોલીસે લૂંટમાં સંડોવાયેલા આરોપીઓને ઠેબા ગામે બાવળની કાંટમાંથી ઝડપી લઈ રૂ. 5,20,000ની રોકડ તથા બાઈક, મોબાઈલ અને કાર કબ્જે કરી હતી. 
આલાભાઈ સાથે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો ભાવિન પ્રદીપભાઈ હેડાવએ તેના સાળા ચિરાગ સતિષચંદ્ર પંડયાને ફરિયાદી દરરોજ અલગ અલગ જગ્યાએથી પૈસા એકઠા કરી બેંકમાં જમા કરવા જતા હોવાની જાણ કરી હતી બાદમાં ચિરાગએ શબીર સંધી અને ઈરફાન સંધીને લૂંટને અંજામ આપવાનું કામ સોંપેલ હતું દરમ્યાન શબીર અને ઇરફાને તેના મિત્ર ફારૂક ઈબ્રાહીમને સાથે રાખી આ લૂંટને અંજામ આપ્યો હતો. અને લૂંટ પહેલા તમામ આરોપીઓએ અંબર ટોકીઝ, ઠેબા અને દિગજામ સર્કલ પાસે મિટિંગો કરી મંગળવારના રોજ રેકી કરી હતી. આ ગુન્હામાં સંડોવાયેલા અનીસ અસરફ ખલીફાની શોધખોળ ચાલુ છે. 
આ કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલ, સીટી સી પીઆઈ પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ આર.બી.ગોજીયા, પીએસઆઈ જે.સી.ગોહિલ, પીએસઆઈ એ.ડી. વાળા અને પીએસઆઈ નીમવાત  તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, અશ્વિનભાઈ ગંધા, શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, દિલીપભાઈ તલાવડીયા, ફિરોજભાઈ દલ, ખીમભાઇ ભોચીયા, લાભુભાઈ ગઢવી, નાનજીભાઈ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, મિતેશભાઈ પટેલ, અજયસિંહ ઝાલા, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, પ્રતાપભાઈ ખાચર, અશોકભાઈ સોલંકી, સુરેશભાઈ માલકીયા, લક્ષ્મણભાઈ ભાટીયા, એ.બી. જાડેજા, અરવિંદગિરી, ભારતીબેન ડાંગર તેમજ સીટી સી પોલીસ સ્ટેશનના રાજભા જાડેજા, હિતુભા જાડેજા, હિતેશભાઈ મકવાણા, ઓસમાણભાઈ સુમરા, મહિપાલસિંહ, રફીકભાઇ, પૃથ્વીરાજસિંહ, પ્રતિપાલસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.