વનચેતના કેન્દ્ર ઘુમલી ખાતે રેસ્ક્યુ કરાયેલ દીપડાને પિંજરામાં હાલ રાખવામાં આવ્યો છે.

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.૧૫ : દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જીલ્લાના આશરે ૧૮૨ ચો.કિ.મી.ના સંયુક્ત વિસ્તારમાં આવેલ બરડા વન્ય પ્રાણી અભ્યારણમાં સિંહ,દીપડા,ઝરખ,નીલગાય, ચિતલ, કાળીયાર, સાબર, હરણ અને ભૂંડ જેવા અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. અભ્યારણના હિંસક વન્ય પ્રાણીઓ અનેક વખત અભ્યારણની હદ બહાર લટાર મારવા નીકળી જતા હોય છે અને માલઢોર કે પાલતું પ્રાણીઓના શિકાર કરતા હોવાનું અવાર-નવાર બને છે માનવભક્ષી દીપડા જેવા વન્ય પ્રાણી દ્વારા માનવનો શિકાર કર્યો હોવાનું પણ બની ચુક્યું છે.
       
     દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના સરપંચ,ખેડૂતો અને ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી કે પોતાના ગામમાં બરડા અભ્યારણ માંથી દીપડો રાત્રીના સમયે માલ-ઢોરનો શિકાર અવાર - નવાર કરી જાય છે. રાણપર ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈને સામાજીક વનીકરણ ભાણવડ તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હર્ષિદાબેન પંપાણીયાના માર્ગદર્શન મુજબ વનવિભાગની ટીમે રાણપર ગામની મુલાકાત લીધી હતી મુલાકાત દરમ્યાન સ્થળ પર દીપડાના પગ માર્કના નિશાન જોવા મળ્યા હતા. બાદમાં વનવિભાગની ટીમે તા.૨૯/૦૧/૨૦૨૦ના રોજ રાણપર ગામે વન્ય પ્રાણીઓના અવર જવરના મુખ્ય માર્ગ કેનાલના પુલીયા પાસે દીપડાને પકડવા માટે પાંજરું મુક્યું હતું. દીપડાને પીંજરા સુધી લઇ આવવા માટે પીંજરામાં મચ્છી,બકરાના બચ્ચા જેવા માંસાહારી ખોરાક રાખીને વન વિભાગ ટીમ દ્વારા પાંજરા પર સતત બારીક નજર રાખવામાં આવતી હતી ૧૫ -૧૬ દિવસની જહેમત બાદ તા.૧૫/૦૨/૨૦૨૦ના રોજ વહેલી સવારે ૦૪.૦૦ કલાકે દીપડો વન વિભાગના પાંજરે પુરાયો છે. પાંજરે પુરાયેલ દીપડાને હાલ ભાણવડના ઘુમલી ગામે આવેલ વન ચેતના કેન્દ્ર ખાતે વનવિભાગ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે. વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાની શારીરિક તપાસ કર્યા બાદ દીપડાને બરડા અભ્યારણમાં ખુલ્લો કરવામાં આવશે અથવા જુનાગઢ ખાતે કેમ્પમાં આશરો આપવામાં આવશે.

    આ કામગીરીમાં વનવિભાગના એસ.આર.વકાતર રાઉન્ડ ફોરેસ્ટર ભાણવડ, પિ.બી.ત્રિવેદી વન રક્ષક, કે.બી.પાટડીયા રાઉન્ડ ફોરેસ્ટર ગુંદા, તેમજ શ્રમયોગીઓ ઈબ્રાહીમભાઈ તથા સુખદેવસિંહ દ્વારા ભારે જહેમત બાદ દીપડાનું સફળ રેસ્ક્યુ કરીને પાંજરે પુરવામાં આવ્યો.