જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં સેતાવડ઼ વિસ્તારમાં રહેતા એક યુવાને બીમારીથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીધી છે. જી.જી. હોસ્પિટલના પાંચમા માળેથી આજે વહેલી સવારે છલાંગ લગાવી દેતા તેનું બનાવના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું અને ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
મળતી વિગત મુજબ જામનગરમાં સેતાવડ઼ નજીક નગર ચકલામાં રહેતા અશોકભાઈ હરકિશનભાઈ મહેતા નામના 48 વર્ષના યુવાનને લોહીની ઉલ્ટીઓ થતી હોવાથી દસમી તારીખે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પોતાની બીમારીથી તંગ આવી ગયો હતો. જેણે આજે પરોઢીયે સાડા ચારેક વાગ્યાના અરસામાં જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના પાંચમા માળેથી છલાંગ લગાવી દેતા નીચે પટકાઈ પડવાથી તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, અને ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. 
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાજુભાઈ હરકિશનભાઇ મહેતાએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળ્યો હતો અને પી.એમ. સહિતની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે બનેલા આ બનાવના કારણે જી.જી. હોસ્પિટલના વર્તુળમાં ભારે દોડધામ મચી ગઈ હતી.