૩ વિદ્યાર્થીઓની જુદી જુદી રીસીપ્ટ સાથે એક ટ્યૂશન કલાસના સંચાલક ની એસઓજી દ્વારા ધરપકડ: ધોરણ ૧૦ ધોરણ ૧૨ અને એક કોલેજિયન વિદ્યાર્થી વતી ૮ પેપરો આપી દીધાની કબૂલાત: ત્રણેય વિદ્યાર્થીઓ પાસેથી જાતે પેપર આપવા માટે અડધા લાખ વસૂલી લીધાનું ખૂલ્યું 
જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગર શહેરમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ ની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન બનાવટી રીસીપ્ટ તૈયાર કરી અને ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા માટેનું એક કૌભાંડ એસ.ઓ.જી શાખાની ટીમે પકડી પાડયું છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ટ્યુશન ક્લાસ ચલાવતા એક શખ્સને પકડી પાડયો છે. અને તેના કબજામાંથી જુદા-જુદા ત્રણ વિદ્યાર્થીઓ ની રીસીપ્ટ કબજે કરી લીધી છે. જે વિદ્યાર્થી ના બદલે પોતે પરીક્ષા આપવા જતો હતો, અને આઠ પેપર આપી દીધાનું ખુલ્યું. છે ધોરણ ૧૦- ૧૨ અને કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ પાસેથી પેપર આપવા માટે રૂપિયા અડધા લાખની રોકડ રકમ વસૂલ કરી લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ આ મામલાના ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
જામનગર શહેરમાં અને ખાસ કરીને શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં પૂજા ટ્યુશન ક્લાસ ચલાવતા સુનિલ નાગજીભાઈ પરમાર નામના ૩૪ વર્ષના શખ્સ દ્વારા બનાવતી રીસીપ્ટ તૈયાર કરી જાતે જ ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતો હોવાનું અને વિદ્યાર્થી પાસેથી નાણાં ખંખેરતો હોવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની એસ.ઓ.જી શાખાને માહિતી મળતા આજે સવારે એસ.ઓ.જી.ની ટુકડીએ ગુલાબ નગર માં પહોંચી જઈ સુનિલ નાગજી પરમાર નામના શખ્સની અટકાયત કરી લીધી હતી.
પોલીસ દ્વારા તેની તપાસણી કરવામાં આવતા તેના કબજામાંથી જુદા-જુદા ત્રણ વિદ્યાર્થીઓ ની રીસીપ્ટ મળી આવી હતી જેમાં ધોરણ ૧૦ના એક વિદ્યાર્થી, ધોરણ ૧૨ના એક વિદ્યાર્થી તેમજ કોલેજના એક વિદ્યાર્થીની રીસીપ્ટ મળી આવી હતી. તે તમામ રીસીપ્ટ માં તેણે પોતાના ફોટા ચોંટાડી દીધા હતા.
પોલીસે તેની અટકાયત કરી લઈ વધુ પૂછપરછ હાથ ધરી હતી. જે પૂછપરછ દરમિયાન પોતે ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યો છે, અને બે વર્ષથી તેના ટ્યુશન ક્લાસ ચાલે છે. જેમાં આવનારા વિદ્યાર્થીઓ કે જેઓ રીપીટર તરીકે હાલમાં ધોરણ ૧૦, ધોરણ ૧૨ અને કોલેજની પરીક્ષા આપી રહ્યા છે તેવા ત્રણ વિદ્યાર્થીઓને લાલચ આપી તેઓ જે વિષયમાં નાપાસ થયા છે તે વિષયની પરીક્ષા આપવા માટેનું કૌભાંડ કર્યું હતું.
જેમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થી પાસેથી ૪ વિષયની પરીક્ષા આપવા માટે ૧૮ હજાર રૂપિયા વસૂલી લીધા હતા. અને ધોરણ-૧૦ની પરીક્ષામાં પોતે ડમી વિદ્યાર્થી તરીકે હાજર રહ્યો હતો અને ચાર પેપર આપી દીધા છે.
આ ઉપરાંત ધોરણ ૧૨ ના એક વિદ્યાર્થી પાસેથી દસ હજાર રૂપિયા મેળવી લીધા લીધા હતા અને તેના બે પેપરો આપી દીધા છે. આ ઉપરાંત કોલેજના એક વિદ્યાર્થી પાસેથી ૨૦ હજાર રૂપિયા લીધા હતા અને તેની પાસેથી જુદા જુદા પેપર આપવા માટેનો સોદો કર્યો હતો, જે પૈકી કોલેજ માં લેવાયેલી પરીક્ષા ના બે સેમિસ્ટરમાં ૨ પેપર આપી દીધા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
ચાલુ પરીક્ષા દરમિયાન અને કુલ આઠ પેપરો ડમી વિદ્યાર્થી તરીકે અલગ અલગ સમયે આપી દીધા છે અને એક પણ વખત પકડાયો ન હતો. પરંતુ એસ.ઓ.જી શાખાની ટુકડીને આ મામલા અંગે માહિતી મળી જતા આજે સવારે ટ્યુશન ક્લાસ પર દરોડો પાડી તેના સંચાલક ને પકડી પાડયો છે. અને તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
જેની સામે આઇપીસી કલમ ૪૬૫,૪૭૧,૪૭૩ અને ૧૨૦બી મુજબ ગુનો નોંધવામાં આવી રહ્યો છે. ઉપરાંત જે ત્રણ વિદ્યાર્થીઓ તરીકે હાજર રહ્યો હતો અને પરીક્ષા આપી હતી તે ત્રણેય વિદ્યાર્થીઓને શોધી કાઢી તેઓ સામે પણ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કૌભાંડ સામે આવતા જામનગરના શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ કાર્યવાહી પી.આઈ. કે.એલ.ગાંધે, પી.એસ.આઈ. વી.કે.ગઢવી, એ.એસ.આઈ. હિતેશભાઈ ચાવડા, જ્ઞાનદેવસિંહ જાડેજા, હિતેષભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, દિનેશભાઈ સાગઠીયા, મયુદીનભાઈ સૈયદ, રમેશભાઈ ચાવડા, સોયબભાઈ મકવા, દોલતસિંહ જાડેજા, રવિભાઈ બુજડ, સંજયભાઈ પરમાર, દયારામ ત્રિવેદી, સહદેવસિંહ ચૌહાણ વિગેરે એ કરેલ હતી.  

ટ્યુશન ક્લાસ સંચાલકના કબજામાંથી ડુપ્લીકેટ રીશીપ્ટ બનાવવાનું સાહિત્ય પકડાયું

 જામનગર ની એસ.ઓ.જી શાખાએ ટ્યૂશન કલાસના સંચાલક ને  ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા અને બનાવટી રીસીપ્ટ બનાવવાનાં કૌભાંડમાં પકડી પાડયો હતો જેના કબ્જામાં થી એક કોમ્પ્યુટર, મોનીટર અને કી-બોર્ડ તેમજ માઉસ અને સી.પિ.યુ. ઉપરાંત એક પ્રિન્ટર, ઝેરોક્ષ-કમ- સ્કેનર મશીન, રબર સ્ટેમ્પ બનાવવા માટેની કીટ અને સ્ટેમ્પ પેઈડ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર માર્ચ ૨૦૨૦ ની પરીક્ષાના ત્રણ પ્રશ્નપત્ર વગેરે મળી આવ્યા હતા. જે તમામ સામગ્રી કબજે કરી લેવામાં આવી છે અને વિશેષ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.