જામનગર મોર્નિંગ - નોવેલ કોરોના વાઇરસના સંક્રમણના પગલે સમગ્ર દેશ ૨૧ દિવસ માટે લોકડાઉન કરાયો છે. જીવન જરૂરી અનાજ કરીયાણું, શાક - ભાજી, દૂધ - છાસ અને આરોગ્ય લગતા જીવન જરૂરી કામ સિવાય લોકોને ઘરની બહાર નીકળવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે. વહીવટી તંત્ર અને પોલીસ લોકોને ખુબજ સંયમ પૂર્વક સમજાવી રહ્યા છે. અવાર - નવાર અપીલ કરીને લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરાઈ રહી છે.
જામનગરના મહતમ લોકો કાયદાનું પાલન કરી રહ્યા છે વિવિધ અપીલને સન્માન પૂર્વક સ્વીકારી રહ્યા છે પણ અમુક લોકો જીવન જરૂરી ચીજ વસ્તુ ખરીદવાના નામે ૫ -૫ કિમી સુધી ટહેલતા જોવા મળતા હોય છે. તેમજ જામનગર જીલ્લા કલેકટર રવિશંકરના જણાવ્યા મુજબ જામનગર શહેરમાં લગભગ તમામ વિસ્તારમાં ૧૦૦ મીટરના અંતરે તમામ વસ્તુ મળી રહે તેવી દુકાનો આવેલ છે છતાં પણ અમુક લોકો નિયમોનો દુરઉપોયોગ કરીને અલગ અલગ વિસ્તારમાં ઘૂમી રહ્યા છે. જો આવી જ સ્થિતિ રહેશે તો આવા લોકો પર બળ પ્રયોગ કરવો પડશે તેમજ જરૂર જણાશે તો આગામી સમયમાં મોટર સાઈકલ અને મોટર કારનો પણ પ્રતિબંધ લાદવો પડશે તેવું કલેકટર\શ્રી જામનગરએ વધુમાં જણાવતા ફરી એક વખત જામનગરના લોકોને કાયદાનું સવિનય પૂર્વક પાલન કરવા અપીલ કરાઈ હતી.