ચાર શખ્સની ધરપકડ: દશ જેટલા નાસી ગયા: રૂ. 4.42 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે 
જામનગર મોર્નિંગ - દ્વારકા 
કલ્યાણપુરના રાવલ ગામે મોટાપાયે ચાલતો વર્લીનો અખાડો સ્થાનિક પોલીસે ઝડપી લઈ 4 શખ્સની ધરપકડ કરી 15 વાહનો સહિત રૂ. 4.50 લાખ જેટલો મુદામાલ કબ્જે કર્યો હતો, જયારે દશ જેટલા શખ્સો નાસી છુટતા શોધખોળ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ રાવલ ગામે ઘેડ વિસ્તારમાં આવેલી સીમમાં બાતમીના આધારે સ્થાનિક પોલીસે જુગાર અંગે દરોડો પાડી વર્લી મટકાનો અખાડો ઝડપી લીધો હતો આ દરોડામાં મોહન રામજીભાઈ મકવાણા, રાહુલ નગાભાઈ ગામી, ભીખુ કારાભાઇ મકવાણા અને લીલા મેપાભાઈ સોલંકી નામના ચાર શખ્સને ઝડપી લીધા હતા, દરોડા દરમ્યાન કરશન મોહનભાઇ, ભરત મોહનભાઈ, કરશન વાલાભાઈ, વિજય મનસુખભાઈ, લાખા મોહનભાઈ, સંજય મોહનભાઈ, મનુભાઈ રામભાઈ, હમીરભાઈ રાજાભાઈ, રાણાભાઈ રામાભાઈ અને રામદે રામાભાઈ નામના શખ્સો નાસી છુટતા શોધખોળ હાથ ધરી છે. 
આ દરોડા દરમ્યાન પોલીસે સ્થળ પરથી 15 મોટરસાઈકલ સહિત કુલ મળી રૂ. 4.42 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ દરોડાથી જુગારીઓમાં ભાગાભાગી થવા લાગી હતી, નોંધનીય છે કે, પોલીસે કલ્યાણપુર પંથકમાં એક જ દિવસમાં બે દરોડા પાડતાં જુગારીઓમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી છે.