દવા લેવામાં ઝડપી વારો આવે તે માટે નર્સનો સ્વાંગ ધારણ કર્યો 

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં દવા લેવા માટે આવેલી એક મહિલાએ નર્સનો સ્વાંગ રચી દવા લેવાનો પ્રયત્ન કરતાં સિક્યુરિટીના સ્ટાફના હાથે ઝડપાઈ ગઈ હતી, દવા લેવામાં પોતાનો ઝડપી વારો આવે તે માટે નર્સનો સ્વાંગ રચ્યો હોવાની કબુલાત આપી હતી.
મળતી વિગત મુજબ જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતી પૂરીબેન જીતેન્દ્રભાઈ રાઠોડ નામની 40 વર્ષીય મહિલા ગઈકાલે સવારે પોતાની દવા લેવા માટે જામનગરની જી.જી. હોપિટલમાં આવી હતી, અને પોતે જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે તેવી ઓળખ આપી એપ્રન પહેરીને દવા લેવા માટે પહોંચી હતી, પરંતુ સિક્યુરિટીના સ્ટાફને શંકા જતા એની પુછપરછ કરતા આખરે મામલો સામે આવ્યો હતો.
સૌ પ્રથમ પોતે જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં જોબ કરતી હોવાનું જણાવ્યું હતું, પરંતુ પાછળથી પોતે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હોવાનું અને દવામાં ઝડપથી વારો આવી જાય અને લાઈનમાં ઉભા રહેવું ન પડે તે માટે પોતાની નર્સીંગ સ્ટાફ તરીકેની ઓળખ આપી દવા લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઝડપાઈ ગઈ હતી, જેથી તેની પાસે માફીપત્ર લખાવીને જવા દેવામાં આવી હતી, ફરીથી આવી ભૂલ નહીં કરે તેવું કબૂલાતનામું આપ્યું હતું.