રિક્ષામાં સવાર શખ્સોએ છરીનો ઘા મારી ઢીમ ઢાળી દીધું : જૂનું મનદુઃખ કારણભૂત હોવાની આશંકા : આરોપીઓ પોલીસના હાથવેતમાં 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના કિશનચોક વિસ્તારમાં આજે સાંજના સુમારે એક યુવાનની રિક્ષામાં આવેલા શખ્સોએ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવની જાણ થતા સીટી એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાસી છૂટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જુના મનદુઃખના કારણે આ હત્યા નિપજાવાનું આશંકા સાથે આરોપીઓને ઝડપી લેવા પોલીસે કમર કસી છે.
મળતી વિગત મુજબ જામનગરના કિશનચોક વિસ્તારમાં રહેતો ઈશુબ આમદ ખફી નામનો 35 વર્ષનો યુવાન આજે સાંજના છએક વાગ્યાના સુમારે પોતાના લતામાંથી નીકળતા રિક્ષામાં સવાર કેટલાક શકશો ત્યાં ઘસી આવ્યા હતા અને ઈશુબ ખફી નામનો આ યુવાન કાંઈ સમજે વિચારે તે પહેલા તેની સાથે ઝગડો કરી રિક્ષામાં સવાર શખ્સોએ તેના પર છરી વડે એક ઘા મારી છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા તાકીદે 108 દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ પરંતુ સારવાર મળે તે પહેલા જ આ યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ રિક્ષામાં સવાર આ શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા આ બનાવની જાણ થતા સીટી ડીવાય એસપી એ.પી.જાડેજા, સીટી એ ડિવિઝનના પીઆઈ ટી.એલ.વાઘેલા અને પીએસઆઈ મોઢવાડીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યાનો ગુનો દાખલ કરી રિક્ષામાં નાસી છૂટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. રિક્ષામાં બે થી ત્રણ જેટલા શખ્સો હોવાનું જાણવા મળે છે. જુના મનદુઃખના કારણે આ હત્યા નિપજાવાય હોવાનું હાલ તો પોલીસે આશંકા વ્યક્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ આરોપીઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.