જામનગર મોર્નિંગ - ગુજરાત 
કોરોના સામે દેશમાં યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. 22 માર્ચને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યૂ પાળવા અપીલ કરી છે જેની સામે દેશ સહિત ગુજરાતભરમાં લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. જામનગરમાં ટાઉનહોલ, ડીકેવી સર્કલ, બેડી ગેઈટ, બર્ધનચોક, ચાંદીબજાર  સહિત અમદાવાદના મુખ્ય બજારો જેમ કે લાલ દરવાજા, ત્રણ દરવાજા, રીલિફ રોડ, એસજી હાઈવે સહિતના રસ્તાઓ પર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ જોવા નથી મળી રહ્યું. શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકોએ સ્વયંભૂ ઘરમાં રહીને બંધને સહકાર આપ્યો છે. કોરોનાની જંગમાં સાથે મળીને સેલ્ફ આઈસોલેટ કરીને લોકો નોંધપાત્ર સહકાર આપી રહ્યા છે. અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરો તેમજ અન્ય શહેરોમાં પણ જનતા કર્ફ્યૂનો ચુસ્તપણ અમલ થઈ રહ્યો છે. લોકોએ સવારમાં મોર્નિંગ વોક લેવા બહાર નિકળવાનું પણ ટાળ્યું હતું. રાજકોટમાં સવારના રેસકોર્સ રિંગ રોડ પર પણ ચકલું ય ફરક્યું નહતું. સામાન્ય દિવસમાં અહીં ભારે ભીડ જોવા મળતી હોય છે. આ ઉપરાંત કાલાવાડ રોડ, યાજ્ઞિક રોડ, સામા કાંઠા,  ત્રિકોણ બાગ અને ગોંડલ રોડ સહિતના રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા હતા. સુરતમાં અઠવા લાઈન્સ, ઘોડદોડ રોડ, વરાછા સહિતના તમામ માર્ગો પર જનતા કર્ફ્યૂનો કડક અમલ થતો હોવાનું જણાયું હતું.

દૂધ, શાકભાજી, દવાઓ તેમજ કરિયાણા સહિતની આવશ્યક સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. જનતા કર્ફ્યૂમાં લોકોએ પોતાના ઘરમાં જ રહેવું જોઈએ જેથી કોરોના વાયરસનો ચેપ વધુ લોકો સુધી ફેલાતો અટકી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 14 પોઝિટીવ કેસ નોંધાયા છે.

રાજ્ય સરકારે કોરોના વાયરસને નાથવા માટે પગલાં લીધા છે જેમાં આજે તમામ જાહેર પરિવહન વ્યવસ્થા જેમ કે એસટી, બીઆરટીએસ અને સિટી બસો બંધ રાખવામાં આવી છે. એસટી બસો બંધ રહેતા લોકોને હાલાકી પડી છે. રાજસ્થાન તરફ જવા માટે પણ લોકોને એસટી બસો નહીં મળતા લોકોએ ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો. પાડોશી રાજ્ય રાજસ્થાને પણ 31 માર્ચુ સુધી લોકડાઉનના આદેશ આપ્યા છે અને સરહદ બંધ કરી દેવામાં આવી છે.

જનતા કર્ફ્યૂને પગલે શનિવાર સાંજથી જ લોકોએ ઘરમાં રહેવાનું મન બનાવી લીધું હોવાથી પીએમ મોદીની અપીલને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે. કોરોના અંગેની ગંભીરતાને લોકોએ સમજીને એકબીજા સાથે વ્યક્તિગત સંપર્કમાં રહેવાનું ટાળીને ફેસટાઈમ અથવા વીડિયો કોલ કરીને લોકો એકબીજાના ખબરઅંતર પૂછી રહ્યા છે.