ત્રણ દિવસ પૂર્વે બાળક કોરોના પોઝિટિવ જાહેર થયો હતો : આરોગ્ય વિભાગનો અલગ દાવો 
જામનગર મોર્નિંગ - જામનગર 
કોરોના વાયરસથી દેશનું સૌથી નાની વયનું મોત ગુજરાતમાં થયું છે. જામનગરમાં મંગળવારે કોરોના પોઝિટિવ 14 મહિનાના બાળકનું મોત થયું છે. ત્રણ દિવસ અગાઉ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે બાળકના બ્લડ સેમ્પલ ફરીથી ટેસ્ટિંગ માટે મોકલાયું હતું. ત્યારે આરોગ્ય વિભાગનો અલગ દાવો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગે કહ્યું કે, માલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે બાળકનું મોત થયું છે. હાર્ટ અને કિડની ફેલ થતા બાળકનું મોત થયું છે.
બાળકના રિપોર્ટને લઇને વિવાદ થયો હતો
મહત્વનું છે કે, જામનગરમાં બાળકના કોરોના વાયરસના પોઝિટિવ રિપોર્ટને લઈને વિવાદ સર્જાયો હતો. 14 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેના માતાપિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારે ફોરેન હિસ્ટ્રી કે લોકલ સંક્રમણની શક્યતાઓ ઠગારી નીવડી હતી. તો બીજી તરફ બાળકના લેબ પરિક્ષણમાં ખામી રહી હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું.
ફરી વખત રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા
જેને લઇને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, 'બાળકના પોઝિટિવ રિપોર્ટ મામલે વિવાદ સર્જાતા હાલ બાળકના ફરીથી નમૂના લઈને અમદાવાદની લેબમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.' જોકે ફરી રિપોર્ટ આવે તે પહેલા જ આ માસૂમ બાળકનું મોત થયું છે.