મુખ્યમંત્રી રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં આપી માહિતી : કાલે તમામ જિલ્લા કલેકટરો- મ્યુનિ,કમિશનરો અને ડીડીઓ કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરશે : સાંજે 7 વાગ્યાથી સવારે 7 સુધીમાં લોકડાઉનનો કડક અમલ કરાશે : સ્કૂટર ચાલકો અને રિક્ષાચાલકોને મળશે છૂટછાટ : ભારત સરકારની ગાઈડલાઇનનું કરાશે પાલન : કંટેઇન્મેન્ટ વિસ્તારની બહાર છૂટછાટ અપાશે તેના નિયમો કાલે જાહેર થશે : હોટેલ-રેસ્ટોરન્ટ માટે હોમ ડિલિવરીની છૂટ અંગે પણ કાલે નિર્ણંય લેવાશે : સમગ્ર રાજ્યમાં માસ્ક નહિ પહેરનાર અને જાહેરમાં થુંકનારને 200 રૂપિયાનો દંડ ફટકારાશે: કોરોના સામેની લડાઈ લાંબી પરંતુ નિયમોનું પાલન કરતા આગળ વધતા રહેવું પડશે

જામનગર મોર્નિંગ - અમદાવાદ  

ગુજરાત સહિત દેશભરમાં આજે લોકડાઉન-૩ના અંતિમ દિવસે લોકડાઉન-૪ની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને હળવા નવા નિયમો અમલી કરવા માટે મંજુરી આપી છે. આજથી લોકડાઉન-૪ની શરૂઆત થશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા નિયમો લાગૂ કરાશે તે અંગે આવતીકાલે જાહેરાત કરાશે તેવી વાત કરી હતી. કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર છુટછાટ આપવા અંગે મુખ્યમંત્રીએ માહિતી આપી હતી. 
આ મામલે આવતીકાલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.આ અંગે નિર્ણય કરવા સાંજે પાંચ વાગ્યાથી  મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈલેવલ કોર કમિટિની બેઠક મળી હતી પરંતુ કોઇ નિર્ણય લેવાયો ન હતો. ગુજરાતમાં આજે લૉકડાઉન-૩.૦નો અંતિમ દિવસ છે અને આવતીકાલથી લૉકડાઉન ૪.૦નો પ્રારંભ થશે.            
રાજ્યમાં ૧૫ મેની સાંજથીથી ૧૬ મેની સાંજ સુધીમાં કોરોનાના નવા ૧૦૫૭ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીના મોત થયા હતા. તેમજ ૨૭૩ દર્દી સાજા થયા હતા. આમ કુલ કેસ ૧૦૯૮૯ થયા છે જ્યારે મૃત્યુઆંક ૬૨૫એ પહોંચ્યો છે અને ૪,૩૦૮ દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. આવતીકાલ સવારથી દેશભરમાં લોકડાઉ ૪.૦ શરૂ થશે. આ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડીને લોકડાઉનને ૩૧ મે સુધી લંબાવ્યું છે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે. તેમજ રાજ્યમાં કર્ફ્યુંનો કડક અમલ કરાશે.              
નવા નિયમોમાં કન્ટેઈન્મેન્ટ અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ ૧૯મેથી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, માસ્ક નહીં પહેર્યું હોય તેને સમગ્ર ગુજરાતમાં રૂ.૨૦૦નો દંડ ફટકારવામાં આવશે. બાઈક ચાલકો અને રિક્ષા ચાલકોને છૂટ આપવામાં આવશે. કચ્છમાં કોરોનાના એકસાથે ૧૪ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને કારણે સમગ્ર જિલ્લાની જનતામાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાત સરકારના અધિકારીઓ અમદાવાદમાં પણ ૩૧ મે સુધી લોકડાઉન લંબાવવાના મૂડમાં છે. ૩૧મે સુધી ના લંબાવી શકાય તો ૨૫ મે સુધી તો કરવાની તૈયારી છે. આ અંગે ટૂંક સમયમાં સરકાર નિર્ણય લેશે. જ્યારે ૨૧ દિવસની કન્ટેઈન્મેન્ટ ઝોનની સમીક્ષા ૨૪મેના રોજ કરવામાં આવશે, એટલે કે ૨૫મીએ ઈદ પુરી કરીને લોકડાઉન ખોલવામાં આવી શકે છે.