• બરડા અભ્યારણ બહાર દીપડો ખુબ જૂજ કિસ્સામાં નીકળી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ એવી સ્થાનિક લોકોમાં પ્રબળ માંગ ઉઠી રહી છે. 
જામનગર મોર્નિંગ - ભાણવડ તા. 14 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના બરડા પંથકના મોખાણા, પાછતર, પાછતરડી વિગેરે વિસ્તારોમાં દરરોજ આંટાફેરા મારીને પાલતુ પશુના શિકાર કરતો હિંસક દીપડો વન વિભાગના પાંજરે પુરાયો છે. 

મળતી વિગત મુજબ ભાણવડના બરડા પંથકના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ ચાર મહિનામાંથી દીપડો ક્યાંકને ક્યાંક દેખાઈ રહ્યો છે અને માલધારી કે ખેડૂતોના પાલતુ પશુનો શિકાર કરીને ત્યાં આજુબાજુમાં જ છુપાઈ જતો હોય છે. તાજેતરમાં જ ભાણવડ બરડા પંથકમાંથી આ ત્રીજી વખત દીપડો પકડાયો છે. એકજ મહિનામાં બે વખત રાણપર ગામેથી અને ત્રીજી વખત હાલ પાછતર ગામેથી આ હિંસક દીપડો પકડાયો છે. પ્રથમ વખત પકડાયેલ દીપડો નર હતો બીજી વખત પકડાયેલ દીપડો માદા હતી જયારે ફરી ત્રીજી વખત પકડાયેલ દીપડો નર છે એટલે આ ત્રણેય દીપડા અલગ - અલગ હોય શકે.

તાજેતરમાં પાછતર ગામમાં ડીસીસી કંપનીની ખાણ વિસ્તાર નજીક દીપડો પડ્યો પાથર્યો રહેતો હોય અને માણસોને હેરાન કરતો હોય પાલતુ પશુના ગમે ત્યારે શિકાર કરતો હોવાની માહિતી સ્થાનિક લોકોએ વન વિભાગની ટીમને આપતાં ભાણવડ સામાજીક વનીકરણના રેન્જ ફોરેસ્ટ ઓફિસરના માર્ગદર્શન મુજબ તે વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરૂ મૂક્યું હતું. ગઈ કાલે રાત્રે પાંજરામાં દીપડો પુરાયો હતો. જે પકડાયેલ દીપડાને હાલ વન ચેતના કેન્દ્રમાં રખાયો છે અને ડોકટરી તપાસ કર્યા બાદ ફરી દીપડાને બરડા પંથકમાં વિહરતો કરવામાં આવશે અથવા તો સાસણ ખાતે મુકવામાં આવશે. દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરીમાં ઇન્ચાર્જ ફોરેસ્ટ ઓફિસર એસ.આર. વકાતર, સ્ટાફના ઈબ્રાહીમભાઇ, સુખદેવસિંહ, રાજેન્દ્રસિંહ અને હમીરભાઈ વિગેરે જોડાયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે હમણાં થોડા દિવસ પહેલા જ મોખાણા ગામે ખેડૂતની વાડીમાં પાડાનું મારણ ત્યારબાદ એક ખેડુતના ફળીયા માંથી માણસો બેઠા હતાં ત્યાં વચ્ચેથી કૂતરાને ઉપાડી ગયો હતો. આ સિવાય પ્રકાશમાં ના આવ્યા હોય એવા ઘણા બનાવો દીપડા દ્વારા શિકાર થયાના બન્યા હશે. બરડા પંથકની આજુબાજુના વિસ્તારના લોકોમાં દીપડા પ્રત્યેનો ડર દિવસેને દિવસે ઉભો થઇ રહ્યો છે લોકો પોતાના માલ ઢોરને સાંજ પડે એટલે સુરક્ષિત જગ્યાએ ખસેડતા જાય છે.  દીપડાના ડરથી બરડા પંથકની આજુબાજુના લોકો બહાર ખુલ્લામાં રાત્રી દરમ્યાન સુવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં વન વિભાગ દ્વારા દીપડાથી થતા નુકશાન સામે સુરક્ષા પુરી પાડવી જોઈએ અને બરડા અભ્યારણ બહાર દીપડો ખુબ જૂજ કિસ્સામાં નીકળી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ એવી સ્થાનિક લોકોમાં પ્રબળ માંગ ઉઠી રહી છે.