જામનગરથી કૃષિમંત્રી આર.સી. ફળદુ જોડાયા
જામનગર મોર્નિંગ - જામનગર 
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં  રહેલા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહા નિદેશક તેમજ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટ ના આવે તેવા ઉદ્દાત ભાવથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સતત ૯મી કેબિનેટની બેઠક યોજાઇ હતી. 
આ બેઠકમાં જામનગર ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગર ખાતેના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી સાથે જ કૃષિમંત્રી આર.સી.ફળદુએ આવનાર ખરીફ સીઝન માટે ખેડૂતોને ગુણવતાયુક્ત બિયારણ મળી રહે તે માટે બિયારણ વેચાણનો પ્રારંભ થઇ ચૂક્યો છે તેમ જણાવી ઉમેર્યુ હતું કે, રાજ્યમાં ૧૫૦૦ કેન્દ્ર પરથી જિલ્લા ખરીદ-વેચાણ સંઘ / મંડળીઓ દ્વારા બિયારણ વેચાણ ચાલુ છે. હાલ સુધીમાં ૯૩૩૮૦ ક્વીન્ટલ મગફળીનું બિયારણ ઉપલબ્ધ છે, તેમાંથી ૫૦,૬૦૦ ક્વીન્ટલનું વિતરણ કરવામાં આવેલ છે. જેમાં ૪૦,૦૦૦ કવીન્ટલનો જથ્થો ગુજકોમાસોલ દ્વારા વેચાણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આગામી ખરીફ પાકની સીઝન માટે દાહોદ, ગોધરા વગેરે જિલ્લામાંથી સૌરાષ્ટ્રમાં ખેતી અર્થે આવવા માંગતા મજૂરો માટે પરિવહનની વ્યવસ્થા માટે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ ખેડૂતોને ટૂંકી મૂદ્દતના ધિરાણના ભરણા માટેની સમયમર્યાદા વધારવા રજૂઆત કરી હતી.