જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨૯ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે સર્વે નંબર - ૨૩૬ તથા ૨૩૯ની ખાનગી માલિકીની જમીનમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ખાણ ખનીજની ટીમ દ્વારા રેઇડ કરાતા મંજુરી વગર ખાનગી જમીનમાંથી ૩૨ હજાર ટન જેટલું ખનીજ ખોદકામ થયાનું બહાર આવ્યું છે. જેમાં ૧૭૧૧૦.૯૧ મેટ્રીક ટન મોરમ તથા ૧૫૧૮૧.૩૯ મેટ્રીક ટન બોક્સાઈટનો જથ્થો ખોદાયેલ હતો. ઉક્ત ખનીજ ચોરીમાં ૩૬,૧૮,૯૫૬/- રૂપિયા મોરમ તથા ૨,૩૪,૨૧૦૮૯/- રૂપિયા બોકસાઇટના મળીને કુલ ૨,૭૦,૪૦,૦૪૫/- રૂપિયાનો દંડ ખનીજ ચોરી કરનાર ખાનગી કંપનીને ફટકારાયો છે. આટલા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાઈ હોવાથી હાલ આ મુદ્દો જીલ્લા ભરમાં ચર્ચા પાત્ર બન્યો છે અને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાણ ખનીજની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સ દ્વારા રેઇડ કરીને ઉક્ત ખનીજ ચોરી ઝડપી પાડી હતી અને આ  ખાનગી જમીન આશાપુરા ગૃપ ઓફ કંપનીઝ(બોમ્બે મિનરલ)ની પેટા કંપની મેનીકો ઈન્ટરનેશનલ પ્રા.લી.ની માલિકીની જમીનો હોવાની માહિતી મળી રહી છે. કલ્યાણપુર પંથકમાં લોકડાઉન દરમ્યાન પણ ખનીજ ખોદકામ થતું હોવાથી અગાઉ રાજકોટ રેન્જ પોલીસ ટીમ દ્વારા પણ ખાનગી કંપની વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

વધુમાં જીલ્લ્લા ખાણ ખનીજ અધિકારી એન.એ.પટેલ એ જણાવ્યું હતું કે ખાનગી જમીનમાં પાસ પરમીટ વિના ૩૨ હજાર ટન જેટલું ખનીજ ખોદકામ કરનાર ખાનગી કંપની પર કાયદેશરની કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીણાની સુચના મુજબ ખાણ ખનીજ અધિકારી એન.એ.પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.