જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨ :  દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સુજલામ સુફલામ જળ સિંચન યોજના અંતર્ગત ચાલુ વર્ષ દરમ્યાન જીલ્લા પંચાયત હસ્તકના કુલ ૧૮૦ તળાવો ઉંડા ઉતારવાની કામગીરી સરકાર તથા ગ્રામજનોની સંયુક્ત ભાગીદારીથી કરવામાં આવશે. જેની વિગતે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકામાં - ૬૪ તળાવ, ભાણવડ તાલુકામાં - ૧૦ તળાવ, દ્વારકા તાલુકામાં - ૩૧ તળાવ અને કલ્યાણપુર તાલુકામાં - ૩૮ તળાવ મળીને કુલ જીલ્લાના ૧૪૩ તળાવો ઉંડા ઉતારવાની કામગીરી થનાર છે. 

સુજલામ સુફલામ યોજના અન્વયે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીમાં  ૩૦ રૂપિયા પ્રતિ ઘન મીટર ભાવ સરકારએ નક્કી કરેલ છે જેમાં ૬૦% એટલે પ્રતિ ઘન મીટર ૧૮ રૂપિયા સરકાર ચૂકવશે અને ૪૦% એટલે ૧૨ રૂપિયા પ્રતિ ઘન મીટર ખેડૂતોને ચૂકવવાના રહેશે.
જીલ્લાના ૩૭ તળાવો ૧૦૦% લોક ભાગીદારીથી ઉંડા ઉતારવાની કામગીરી થશે જેમાં સંપૂર્ણ ખર્ચ ગ્રામ જનો માટી / કાપ ભરવા આવતા ખેડૂતોએ ચૂકવવાનો રહેશે જેમાં સરકાર કોઈ રકમ ચૂકવશે નહી.

૧૪૩ તળાવો ૬૦% સરકાર અને ૪૦% ગ્રામજનો ખેડૂતોની લોક ભાગીદારીથી જયારે ૩૭ તળાવો સંપૂર્ણ લોક ભાગીદારીથી આમ મળીને ચાલુ વર્ષે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૧૮૦ તળાવો સુજલામ સુફલામ યોજના અન્વયે ઉંડા ઉતારવાની કામગીરી કરાઈ રહી છે.