જામનગર મોર્નિંગ - ભાણવડ તા. 9 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર ગામ વાડી વિસ્તારમાં મોખાણા ગામના એક આધેડનું વીજ શોકથી મૃત્યુ નીપજ્યું છે. 

ભાણવડ પોલીસ માંથી મળતી વિગત મુજબ મોખાણા ગામના આધેડ વ્યક્તિ પરમાર દેવરાજભાઈ રાત્રીના સમયે મોખાણા - ભરતપુર સીમા પાસેથી પસાર થતા હોય ત્યારે ભરતપુર વાડી વિસ્તારમાં વાડીમાં લીમડાના થડ પાસે થાક ઉતારવા બેઠા હોય એ દરમ્યાન ત્યાં લગાવેલ લેમ્પ અને વીજ વાયરમાં શરીર અડી જતા ત્યાં સ્થળ પર આધેડ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. 

તાજેતરમાં મોખાણા - ભરતપુર વિસ્તારમાં દીપડાના આંટાફેરા હોવાથી દીપડાથી રક્ષણ મેળવવા વાડીમાં અજવાસ કરવા માટે કપાઈ ગયેલા લીમડાના થડ પાસે એક લેમ્પ લગાવેલ હતો આ લેમ્પમાં અકસ્માતે શરીર અડી જતા આ આધેડ દેવરાજભાઈનું અવશાન નીપજ્યું હતું.  રાત્રીના બનેલ આ બનાવની જાણ સવારે વાડી માલિકને થતા તેમણે ભાણવડ પોલીસ અને મરણ પામનાર વ્યક્તિના પરિવારજનોને કરી હતી. બાદમાં મૃતદેહના પોસ્ટ મોર્ટમ માટે ભાણવડ સરકારી હોસ્પિટલ લઇ જવાયો હતો. જે રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ થવા અંગેનો પાકો ખ્યાલ આવશે.

સ્થાનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં અનેક ખેડૂતો ખુલ્લા વીજ વાયરથી વાડીની સરહદમાં ઇલેક્ટ્રિક શોક મુકતા હોય છે. જેનાથી ઘણી વખત વન્ય પ્રાણીઓ અને અમુક બનાવોમાં માનવ મૃત્યુ થયાનું પણ પ્રકાશમાં આવ્યું છે.